સરકાર કરોડો ફાળવે છે પરંતુ સાંગનારાને અન્યાય કરાય છે

નખત્રાણા, તા. 12 : સાંગનારા ગ્રામ પંચાયતની સરપંચ મંજુલાબેન ઉમરા જેપારના અધ્યક્ષસ્થાને ગ્રામસભા મળી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી માગણી કરવા છતાં ડામર રોડ તેમજ નવો પુલ નહીં બનતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામસભા પ્રારંભે તલાટી હેમલતાબેન ચૌધરીએ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તળે મળતા લાભોની માહિતી આપી હતી તેમજ અગાઉની ગ્રામસભામાં રજૂ થયેલા બે મુદ્દા જેમાં સાંગનારાથી ભુજ લખપત હાઈવેને જોડતા સાડા ત્રણ કિલોમીટરના માર્ગને ડામરથી મઢવા તથા બે જગ્યા પર પુલ બનાવવા સિવાય સાંગનારાથી બેરુ વાયા ગોડજીપર નવો મેટલ રોડ તેમજ પુલ-પાપડી બનાવવાની માગણી છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે એમ જણાવાયું હતું.આ માગણી સંદર્ભે તાલુકા, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યને પણ આવેદનપત્ર આપી ચૂક્યા હોવા છતાં આ કામ મંજૂર થતું નથી. તે બાબતે ગ્રામસભામાં આક્રોશ ઠાલવ્યો હતો. ઉપરાંત રસ્તા સુધારણા માટે કરોડો રૂપિયા સરકાર તરફથી ફાળવાય છે, છતાં આવા પછાત-નાના ગામોને સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. તે સિવાય અન્ય કામોની માગણી પણ કરવામાં આવી હતી.ઉપસરપંચ ઉમરા પાલા, સભ્યો લખમણ કમા રબારી, ડાહીબેન કાનજી લોંચા, ગામના અગ્રણી અરવિંદભાઈ ઠક્કર, મૂળજી માંડણ, રવજીભાઈ આહીર, ગ્રામસેવક, આગણવાડી સુપરવાઈઝર, સંચાલિકા, આશાવર્કર ઉપસ્થિત રહ્યા હતા. નાણાપંચ જિલ્લા પંચાયતની સંયુક્ત ગ્રાન્ટમાંથી દરેક જગ્યાએ 68 જેટલી રોડલાઈટ નાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તો સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી દલિત સમાજવાડીની દીવાલ, છાપરા તથા ઈન્ટરલોક માટે રૂા. બે લાખ ફાળવવામાં આવ્યા હતા. આભારવિધિ રમેશભાઈ જેપારે કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer