માણાબા સીમમાં બે પવનચક્કીમાં તોડફોડ બાદ 60 હજારની ચોરી

ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલી બે પવનચક્કીઓમાં તોડફોડ કરી કોઇ શખ્સો તેમાંથી રૂા. 60,000ની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. બીજી બાજુ અંજારના ટ્રાન્સપોર્ટ નગરમાં ટ્રકમાંથી રૂા. 8000ની બે બેટરીની ચોરી થઇ હતી. માણાબા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીની પવન ચક્કી નંબર 235 તથા તેની બાજુમાં આવેલી અન્ય એક પવન ચક્કીમાં કોઇ શખ્સોએ તોડફોડ કરી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે તસ્કરો આ પવન ચક્કીઓમાંથી કોપરના વાયર તથા ટ્રાન્સફર ઓઇલ એમ કુલ રૂા. 60,000ની મત્તાની તફડંચી કરી નાસી ગયા હતા. ગત તા. 28-5 પહેલાં બનેલા ચોરીના આ બનાવ અંગે આડેસર પોલીસે છેક ગઇકાલે રાત્રે ગુનો નોંધ્યો હતો. પશ્ચિમ કચ્છમાં પવન ચક્કીઓને નિશાન બનાવી તેમાંથી ચોરીના બનાવોને અંજામ આપતા બે શખ્સોને પશ્ચિમ કચ્છ પોલીસે પકડી પાડયા હતા. પોલીસે નવ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો હતો. દરમ્યાન આડેસર પોલીસે અચાનક ફરિયાદ નોંધતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. અંજારના ટ્રાન્સપોર્ટ નગરમાં થયેલી ચોરીના બનાવ અંગે શિવજી આહીર (ચાડ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાને પોતાની ઓફિસથી થોડે દૂર આવેલ મેદાનમાં ટ્રક નંબર જી.જે. 12-ઝેડ-4508વાળી પાર્ક કરી હતી. આ ટ્રકમાંથી નિશાચરો રૂા. 8000ની બે બેટરી કાઢી તેની ચોરી કરીને નાસી ગયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer