ગુંદાલામાં બોલાચાલી અને પતાવટ બાદ પણ બે જૂથ વચ્ચે ટકરાવ : છ જણ ઘવાયા, સામસામા ગુના દાખલ

ભુજ, તા. 12 : મુંદરા તાલુકાના ગુંદાલા ગામે બાઇક ચલાવવા સમયે સામેસામે આવી જવા બાબતે ચાર દિવસ પહેલાં બે યુવક વચ્ચે થયેલી બોલાચાલીનો મામલો પતાવટ બાદ પણ ગતરાત્રે હિંસક બનીને સામે આવ્યો હતો. જેમાં સામસામી મારામારી અને ઘરોમાં ઘૂસીને તોડફોડ સહિતના મામલે સામસામી ફરિયાદો નોંધાવાઇ છે. નોંધપાત્ર અને ગંભીર પરિણામ એ સામું આવ્યું છે કે, સમગ્ર પ્રકરણમાં ગામના સરપંચની સંડોવણી પણ બહાર આવીને પોલીસ ચોપડે ચડી છે. ચાર દિવસ પહેલાં ગુંદાલા ગામના મહેશ્વરી અને આહીર યુવાન વચ્ચે બાઇકથી જતા સમયે બોલાચાલી થઇ હતી. આ બાબતે બન્ને પક્ષની પતાવટ પણ કરાઇ હતી. પણ ગતરાત્રે અચાનક હિંસક વળાંક આવવા સાથે મારામારી થઇ પડતાં બન્ને પક્ષના છ સભ્ય ઘવાયા હતા. આ કિસ્સામાં ગામના સરપંચ જયેશ આહીરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર બતાવી તેના જોરે ધાકધમકી કરી હોવાનો આરોપ પણ ફરિયાદમાં મુકાયો છે. તો મારામારીમાં ધોકા, લોખંડના પાઇપ અને છરી સહિતના હથિયારોનો ઉપયોગ થયાનું પણ ફરિયાદમાં લખાવાયું છે. પોલીસ સાધનોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાવ બાબતે શિવજીભાઇ પેથાભાઇ સોંધરાએ ગુંદાલા ગામના સરપંચ જયેશ જખુ આહીર, લાલજી રામજી આહીર, શૈલેશ લખુ આહીર, રાજેશ મેરામણ આહીર, ભાવેશ જખુ આહીર, મયૂર શંભુ આહીર, દિનેશ અરજણ આહીર, બાબુ અરજણ આહીર, શંભુ નારાણ આહીર, બીજલ જખુ આહીર, શામજી દેવરાજ આહીર, જીમેશ વાલજી આહીર અને દીપક નારાણ આહીર સહિત કુલ્લ 15 જણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ ફરિયાદમાં સરપંચ જયેશ આહીરે ફરિયાદી સામે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધાકધમકી કર્યાનો આરોપ મુકાયો છે. તો ઘરોમાં ઘૂસી તોડફોડ સાથે વાહનોમાં નુકસાન કરાયાનું પણ લખાવાયું છે. આ ફરિયાદમાં હથિયારધારા સહિતની કલમો લગાડવામાં આવી છે. જ્યારે સામાપક્ષેથી આહીર જૂથ દ્વારા પણ દશ જણ સામે પ્રતિ ફરિયાદ નોંધાવાઇ છે. બાબુ અરજણ મરંડે લખાવેલી આ ફરિયાદમાં આરોપી તરીકે શિવજી પેથા સોંધરા, કમલેશ સોંધરા, રાજેશ સોંધરા, સંજય માલશી સોંધરા, ડાયાલાલ માતંગ, મગન આતુ ફફલ, દિનેશ માલશી સોંધરા, હરેશ માલશીં સોંધરા, કરણ રામજી સોંધરા અને રામજી આતુ ફફલને બતાવાયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer