મેરાઉની યુવતીને ધાકધમકી કરવા સાથે જાતીય શોષણનો મામલો સપાટીએ

ભુજ, તા. 12 : મોબાઇલ ફોન અને રૂબરૂ મુલાકાત દરમ્યાન પરિચય કેળવ્યા બાદ માંડવી તાલુકાના મેરાઉ ગામની યુવતીને ધાકધમકી કરીને માંડવી તાલુકાના ભોજાય ગામના જિતેન્દ્ર ધનજી ભર્યા નામના શખ્સે તેની સાથે દુષ્કર્મ કરવા સાથે દિવસો સુધી જાતીય શોષણ કર્યું હોવાનો મામલો પોલીસ દફતરે ચડયો છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં જેની સામે વિધિવત બળાત્કાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો છે તે આરોપી ભોગ બનનાર યુવતીનો કૌટુંબિક સંબંધી થાય છે. બળાત્કાર અને જાતીય શોષણના આ મામલાનો ક્રમ ગત તા. 1 થી 11 સુધી ચાલ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. સત્તાવાર સાધનોએ આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે કેસના તપાસનીશ માંડવી પોલીસ મથકના ઇન્સ્પેકટર શ્રી ગામેતીએ તાત્કાલિક પગલાં લેતાં આરોપી ભોજાય ગામના જિતેન્દ્ર ભર્યાની ધરપકડ આજે જ કરી લીધી હતી. પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. કેસની ફરિયાદમાં લખાવાયા અનુસાર યુવતી સાથે પરિચય કેળવ્યા બાદ આરોપીએ તેને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા ધાકધમકી કરી હતી. પોતે આપઘાત કરી લેશે અને સ્યુસાઇડ નોટ લખી જઇને યુવતીના પરિવારને ફીટ કરાવી દેશે તેવી ધમકીઓના જોરે આ સમગ્ર જાતીય સતામણી સહિતના કારસાને અંજામ અપાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer