ભુજમાં અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર કામગીરી ઠપ

ભુજ, તા. 12 : શહેર સુધરાઇ દ્વારા અપાયેલા 48 લાખના સફાઇ કોન્ટ્રાક્ટમાં અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોરનું કોઇ આયોજન ન કરાતાં સત્તાધીશો આ બાબતે તપાસ કર્યા બાદ જ ચૂકવણું કરે તેવી માંગ ઊઠી છે. અમુક જગ્યાએ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા કોઇ ન આવતાં સફાઇ કામદારો જ ઘરોમાંથી કચરો લઇ નજીકની કચરા ટોપલીમાં ફેંકી આવે છે, તો ડોર ટુ ડોરનો ખર્ચ શા માટે ચૂકવવો તેવો સવાલ જાગૃતો પૂછી રહ્યા છે. ભુજ શહેરમાં લાપસીમાં લીટા જેમ ચાલતા સફાઇ કામ અંતર્ગત ડોર ટુ ડોરની સુવિધાથી અનેક વિસ્તારો વંચિત રહ્યાની ફરિયાદ ઊઠી છે. અંદાજે 48 લાખની માતબર રકમથી અપાયેલા કોન્ટ્રાક્ટ છતાં શહેરમાં અનેક સ્થળો કચરાથી ખદબદી રહ્યાં છે. ખાસ કરીને કોટ અંદરના વિસ્તારોમાં તો હાલત દયનીય બની છે, ત્યારે સુધરાઇના સત્તાધીશો આ બાબતે જે-તે વિસ્તારમાં તપાસ કરે અને ત્યારબાદ સંતોષજનક લાગે તો જ કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરે તેમજ ડોર ટુ ડોરની કામગીરી પણ સત્વરે ચાલુ કરાવે તેવી માંગ જેમનાં નાણામાંથી કોન્ટ્રાક્ટરોને દર માસે માતબર રકમનું ચૂકવણું થવાનું છે તેવા શહેરીજનો કરી રહ્યા છે. શહેરીજનો પણ જાગૃત રહે, અને સફાઇ વેરો વસૂલાય છે તો સાફસફાઇનો આગ્રહ રાખે અને જો કામદારો સફાઇ કરવા ન આવતા હોય, ડોર ટુ ડોર કચરો લેવા ન આવતા હોય તો સુધરાઇના શાસકોને ફરિયાદ કરે તે જરૂરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer