ભારત-લંકા ટેસ્ટની પીચ `ફિક્સ'' હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 26 : ક્રિકેટની રમતને કલંકિત કરનારા મેચ ફિક્સિંગના બનાવો અને ઈમાન વેચીને પૈસા પાછળ દોડતા ક્રિકેટરોના સત્યથી તો લોકો ઘણી વખત વાકેફ થયા છે. પરંતુ હવે મેચ ફિક્સર્સના એવા `ખેલ' ઉપર પડદો ઊંચકાવાનો છે, જેનાથી ક્રિકેટપ્રેમીઓ ચોંકી ઊઠશે. એક સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને શ્રીલંકાની વચ્ચે ગત વર્ષે રમવામાં આવેલી ટેસ્ટ મેચમાં મેચ ફિક્સરોના હુકમ પરથી પીચ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને આઇસીસીએ શનિવારે મામલાની તપાસ શરૂ?કરી દીધી છે. કહેવાઇ રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ અલ ઝઝીરા ટૂંક સમયમાં એક ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરવા જઈ રહી છે. જેમાં ફિક્સર્સ કેવી રીતે લાંચ આપી પીચ સાથે ચેડાં કરીને પોતાની મનમરજી મુજબ પરિણામ મેળવે છે.  અલ ઝઝીરાના અહેવાલ પ્રમાણે મુંબઇના એક પૂર્વ પ્રથમ શ્રેણીના ક્રિકેટર રોબીન મૌરિસે સ્વીકાર કર્યો છે કે તેમણે ગત વર્ષે પીચ સાથે છેડછાડ માટે ગોવામાં એક મેદાન કર્મચારીને લાંચ આપી હતી, જે સ્ટિંગ ઓપરેશન રવિવારે પ્રસારિત થશે. બે વર્ષ પહેલાં શ્રીલંકાના મેદાન ગોલમાં યજમાન ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ પણ ફિક્સ થઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અઢી દિવસમાં જ 229 રને હારી હતી. બન્ને દાવમાં ઓસ્ટ્રેલિયાના 18 બેટધર સ્પિનરોનો શિકાર બન્યા હતા અને ટીમ 85 રનનો સ્કોર પણ પાર કરી શકી ન હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પીચ ફિક્સ કરવા માટે પીચ ક્યુરેટરને 37000 ડોલરની લાંચ અપાઈ હતી. સ્ટિંગ ઓપરેશનમાં જે લોકોની વાત કરવામાં આવી છે, તેમાં મુંબઈના એક બુકીનો પણ ઉલ્લેખ થયો છે. આઈસીસીને આ સમગ્ર વિવાદની જાણકારી છે અને એન્ટિ કરપ્શન યુનિટ તપાસ પણ કરી રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer