રણકાંધીમાં દિ'' તપ્યો, રાત્રે ટાઢક !

રણકાંધીમાં દિ'' તપ્યો, રાત્રે ટાઢક !
ભુજ, તા. 26 : શનિવારે સૂરજબારીથી સરહદ સુધી સર્વત્ર સૂર્યના સામ્રાજ્ય તળે કચ્છી જનજીવન અસહ્ય ઉકળાટમાં અકળાયું હતું. કંડલા એરપોર્ટ પર 45.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વરસામેડીથી અંજાર સહિતના ભાગો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યા હતા. હજુ બે દિવસ ગરમીનાં મોજાંનો વર્તારો અપાયો છે. આજના હવામાનમાં ખાસ નોંધવાલાયક ફેરફાર એ જોવા મળ્યો હતો કે રણકાંધીનાં ગામડાઓમાં દિવસ બેહદ તપવા સાથે રાત્રિના ભાગે હવામાં શીતળતાનો મનગમતો અનુભવ થયો હતો. ખાવડાથી પ્રતિનિધિના અહેવાલ અનુસાર, ખાનગી ધોરણ નોંધાતા તાપમાન પર નજર કરતાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સીમાવર્તી ગામડાઓમાં જનજીવન દિવસભર દાઝ્યું હતું. દિવસે ભઠ્ઠીમાં શેકાતા આ પંથકમાં સાંજ ઢળી ગયા બાદ ઘણી રાહત મળે છે અને બફારાથી બેહાલ બનેલા લોકો ઘરની બહાર આંગણામાં રાત્રે સૂવે ત્યારે તેમને ઓઢવાની જરૂર પડે છે તેવી શીતળતા અનુભવાય છે. જિલ્લા મથક ભુજમાં આજે 42.3 ડિગ્રી સાથે શહેરી જનજીવન તાપથી ત્રસ્ત બન્યું હતું. જો કે, 11 કિ.મી.ની ગતિ સાથે પશ્ચિમી પવનોએ થોડીક રાહત આપી હતી, પરંતુ ભેજનું પ્રમાણ 44 ટકા જેટલું નોંધપાત્ર રહેતાં બપોરે બફારાથી બેચેની વચ્ચે ક્યાંક વીજવિક્ષેપ વસમો બન્યો હતો.રાપરમાં 43 ડિગ્રી સેલ્સિયસ સાથે વાગડ પંથક પરસેવે રેબઝેબ થયો હતો. મુંદરામાં 40 ડિગ્રી સાથે કાંઠાળ પટે પણ તપત અનુભવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer