રતડિયાની સીમમાં ચોરાઉ મનાતા ડામરના 6.84 લાખના જથ્થા સાથે ત્રણ જણની અટક

રતડિયાની સીમમાં ચોરાઉ મનાતા ડામરના 6.84 લાખના જથ્થા સાથે ત્રણ જણની અટક
ભુજ, તા. 26 : મુંદરા તાલુકામાં ગુંદાલા ગામ તરફ જતા રોડ ઉપર રતડિયા ગામની સીમમાં એક વરંડામાંથી આધાર-પુરાવા વગરનો ડામરનો રૂા. 6.84 લાખની કિંમતનો જથ્થો પોલીસ દ્વારા પકડાયો હતો. 27 ટાંકીમાં ભરાયેલા 17,100 કિલો ડામર સાથે ત્રણ જણની અટક કરાઇ હતી. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુંદરા વિસ્તારમાં વાઇટલ ઇન્સ્ટોલેશન કાર્યવાહી દરમ્યાન મળેલી બાતમીના આધારે રતડિયા ગામની સીમમાં ગુડલક હોટલ પાછળના ભાગે આવેલા વરંડામાંથી ચોરાઉ અને શંકાસ્પદ મનાતો આ જથ્થો કબ્જે કર્યો હતો. આ પ્રકરણ વિશે મુંદરા પોલીસ મથકમાં વિધિવત નોંધ કરાવાયા બાદ એસ.ઓ.જી. દ્વારા પ્રકરણની તપાસ પોતાના હસ્તક જ રખાઇ છે.  સત્તાવાર સાધનોએ આ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં સણોસરા (ભુજ)ના પ્રકાશ વેરશી રબારી, ભુજના જગદીશ રામકુમાર ચૌધરી અને અંજાર તાલુકાનાં ખેડોઇ ગામના મામદ કાસમ ખલીફાની અટક કરવામાં આવી છે. આ ત્રણેય જણ ડામરના જથ્થા વિશે કોઇ આધાર-પુરાવા રજૂ ન કરી શકતાં તેમની અટક કરી આ માલ કયાંથી આવ્યો તેના સહિતનું  પગેરું દબાવવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધીક્ષક એમ.એસ. ભરાડાના માર્ગદર્શન તળે એસ.ઓ.જી. ઇન્સ્પેકટર વી.કે. ખાંટની રાહબરીમાં સ્ટાફના વાછિયાભાઇ ગઢવી, કિશોરાસિંહ જાડેજા, ચમનાસિંહ સોઢા, ધર્મેન્દ્રાસિંહ જાડેજા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer