વર્ધમાનનગર ખાતે આઇ.પી.એલ. સટ્ટા અન્વયે દરોડામાં બુકીની ધરપકડ

વર્ધમાનનગર ખાતે આઇ.પી.એલ. સટ્ટા  અન્વયે દરોડામાં બુકીની ધરપકડ
ભુજ, તા. 26 : ફાસ્ટ ક્રિકેટના ફટાફટ જંગ સમાન ઇન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ સ્પર્ધાના સાવ અંતિમ ચરણમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ રમત ઉપર રમાઇ રહેલા સટ્ટાના અનુસંધાને વધુ એક દરોડો તાલુકાના ભુજોડી ગામ પાસેના વર્ધમાનનગર ખાતે પડાયો હતો. જેમાં ભાવિક છગનલાલ શાહ નામના યુવાનને સટ્ટો રમાડતા પકડી પડાયો હતો.  ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે ગતરાત્રે વર્ધમાનનગર (ભુજોડી) ખાતે એસ.બી. 2 નંબરના મકાન ખાતે આ દરોડો પડાયો હતો. જેમાં ગતરાત્રે હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચ ઉપર હારજીત અને સેશનનો જુગાર ચલાવી રહેલા ભાવિક શાહની ધરપકડ કરાઇ હતી.  પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં આરોપી પાસેથી રૂા. 11 હજાર રોકડા, ત્રણ મોબાઇલ ફોન, ટેલિવિઝન, સેટઅપ બોક્સ, રિમોટ કન્ટ્રોલ અને સાહિત્ય સહિતની માલમત્તા કબ્જે કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ પંકજ કુશવાહાએ તેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આઇ.પી.એલ. સ્પર્ધાને લઇને કચ્છમાં ધૂમ સટ્ટો રમાયો છે અને રમાઇ રહ્યો છે, જેની સામે પોલીસે પણ અનેક દરોડા પાડયા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer