ગાંધીધામમાં વયસ્ક નાગરિકોની સગવડ માટે પોલીસ કચેરીનો કબ્જો છોડશે ?

ગાંધીધામમાં વયસ્ક નાગરિકોની સગવડ માટે પોલીસ કચેરીનો કબ્જો છોડશે ?
ગાંધીધામ, તા. 26 : સંકુલના નિવૃત્ત સરકારી કર્મચારીઓએ સતત સંપર્કમાં રહેવું પડે છે તેવી ગાંધીધામની પેટા તિજોરી કચેરી પ્રથમ માળે  કાર્યરત હોવાના કારણે વયસ્ક નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ પરિસરમાં ભોંયતળિયે રહેલું એ. ડિવિઝન પોલીસ મથક અન્યત્ર ખસેડાયા બાદ પણ હજુ પોલીસ પ્રશાસને કબ્જો ન સોંપી ચોકી અને બીજી શાખા શરૂ કરી દેતાં તિજોરી કચેરી નીચે આવે તેવા સંજોગ જણાતા નથી. આ કચેરીને નીચે કાર્યરત કરવાની દરખાસ્ત લાંબા સમયથી  પડતર છે. અગાઉનું ગાંધીધામ સિટી પોલીસ સ્ટેશન (હવે એ. ડિવિઝન) નીચે અને પેટા તિજોરી ઉપર વર્ષોથી કાર્યરત છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું ગુરુકુળ વિસ્તારમાં નવું બિલ્ડિંગ બન્યા બાદ તાજેતરમાં જ વોર્ડ 12/બીમાંથી ગુરુકુળ ખાતે તે કાર્યરત કરાયું છે. એ. ડિવિઝન પોલીસ સ્ટેશન અન્યત્ર ખસેડાતાં પેટા તિજોરી કચેરી નીચે કાર્યરત થઇ શકશે તેવી શક્યતા સર્જાઇ હતી, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા માર્ગ-મકાન વિભાગને ગ્રાઉન્ડ ફ્લોરનો કબ્જો ન સોંપાતાં આ કચેરી નીચે આવી શકે તેમ  નથી. એ. ડિવિઝન ગુરુકુળ ખાતે ખસેડાયા બાદ આ બિલ્ડિંગમાં પોલીસ પ્રશાસન દ્વારા ચાવલા ચોક ચોકીનું બોર્ડ લગાડી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાવલા ચોક ચોકી માત્ર નામ પૂરતી જ કાર્યરત છે. ચોકીમાં કાર્યરત કોઇ જ સ્ટાફ ત્યાં બેસતો નથી. દરમ્યાન, ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી સ્ટેટ આઇબીની કચેરીને જૂના પોલીસ મથકમાં નીચેના ભાગે ખસેડી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા હજુ પણ નીચેના ભાગનો  કબ્જો પોતાના હસ્તક જ રખાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીધામમાં 1200થી વધુ પેન્શનરોને અવારનવાર પેટા તિજોરી કચેરીએ આવવું પડે છે. અશક્ત અને મોટી ઉંમરના પેન્શનરોને દાદરા ચડવા મુશ્કેલીભર્યું બની રહે છે. પેટા તિજોરી કચેરીને નીચે કાર્યરત કરવા સ્થાનિક અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઇ નિવેડો નથી આવ્યો. પોલીસની ચોકી કે આઇબી ઓફિસ ઉપર લઇ જઇ તિજોરી કચેરી નીચે કાર્યરત કરવી જોઇએ તેવી માંગ વયસ્ક નાગરિકોમાં પ્રબળ બની છે, અથવા તિજોરી કચેરી અન્યત્ર નવા મકાનમાં કાર્યરત કરાય તેવી પણ માંગ ઊઠી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer