ઓમાનમાં વાવાઝોડાની ઝપટમાં આવેલા કચ્છનાં વહાણો હજુયે મદદવિહોણાં

ઓમાનમાં વાવાઝોડાની ઝપટમાં આવેલા કચ્છનાં વહાણો હજુયે મદદવિહોણાં
ગાંધીધામ, તા. 26 :  અરબી સમુદ્રમાંથી ઊઠીને ઓમાન ગયેલા વાવાઝોડા મેકુનુએ સલાલા બંદરે તબાહી મચાવી હતી. કચ્છથી ઓમાન ગયેલાં 9 દેશી વહાણો તથા એક વિદેશી કન્ટેનર વેસલ સહિતનાં જહાજો તેની ઝપટે ચડયાં હતાં. અનેક વહાણમાં નુકસાની થઇ હતી. કચ્છી સાગર ખેડુઓ પૈકી ઘણા ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે, પરંતુ સત્તાવાળાઓએ તેમની કોઇ પૃચ્છા કરી નથી. કચ્છના વહાણવટી જગદીશ- ભાઇ અયાચીએ આપેલી વિગતો પ્રમાણે, અનેક સાગર ખેડુઓ અત્યારે સલાલા બંદરે અટવાઇ પડયા છે. ઓમાનમાં તેમને હજુ કોઇ મદદ મળી નથી. કચ્છનાં દેશી વહાણો એમ.વી. વાલિદ, એમ.વી. યુસુફ, એમ.વી. કેસરી, એમ.વી. અરફાત, એમ.વી. બાલાજી, એમ.વી. સાબીર, એમ.વી. સી ક્વીન, એમ.વી. વિરાટ સલાલા બંદરે લાંગરેલાં હતાં. વાવાઝોડું આવતાં દરિયાના વિકરાળ મોજાઓએ આ પૈકીનાં ઘણાં જહાજને અફળાવી- અફળાવીને કે ઊંચે ઉછાળી ફેંકી દઇને ભારે નુકસાન પહોંચાડયું હતું. માંડવી તથા સલાયા બાજુનાં આ વહાણો ઉપરના સાગર ખેડુઓ પૈકી ઘણાને ઇજા પહોંચી હતી, જેની વિગતો હજુ મેળવી શકાઇ નથી. એક પાકિસ્તાની તથા એક ઇરાની જહાજ પણ સલાલા બંદરે લાંગરેલાં હતાં અને તે પણ વાવાઝોડાની ઝપટે ચડયાં છે. એક કન્ટેનર વેસલ પણ નુકસાન પામીને ડૂબી ગયું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાગ્રસ્ત આ કચ્છી વહાણવટીઓને હજુ સુધી કોઇ મદદ પહોંચી નથી. અન્ય આસપાસનાં જહાજોના ક્રૂની મદદથી તેઓની હાલતુરત ખાવા-પીવાની સગવડ થઇ ચૂકી છે. અંદાજે 200 જેટલા કચ્છી ખલાસીઓ લટકી પડયા હોવાનું જાણવા મળ્યું છે. ઓમાન સ્થિત ભારતીય રાજદૂતાલય તરફથી પણ હજી કોઇ પૃચ્છા થઇ ન હોવાનું ખલાસીઓનું કહેવું છે. કચ્છના સાંસદ, કલેક્ટર વગેરે આ બાબતે સક્રિય બને તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer