પછાત વર્ગના ખેડૂત નરેગામાં ખાનગી ખેત તળાવડી-પશુ શેડ બનાવી શકે છે

પછાત વર્ગના ખેડૂત નરેગામાં ખાનગી ખેત તળાવડી-પશુ શેડ બનાવી શકે છે
ભુજ, તા. 26 : ભારતમાં આઝાદી બાદ પછાત વર્ગોને મૂળભૂત અધિકારો સંઘર્ષ રહિત પ્રાપ્ત થયા તે માટે ડો. બાબાસાહેબ આંબેડકરની દીર્ઘદૃષ્ટિ કારણભૂત રહી. તેમણે આવા અધિકારો બંધારણમાં સમાવી લીધા હતા. જ્યારે વિશ્વના અન્ય દેશો રશિયા, ફ્રાંસ, ચીન અને બ્રિટનમાં ક્રાંતિ બાદ ત્યાંના પછાત વર્ગોએ ખૂની સંઘર્ષ કરવો પડયો હતો, તેવું જિ.વિ. અધિકારી પ્રભવ જોશીએ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ આયોજિત સમાજ શિક્ષણ શિબિરને સંબોધતાં જણાવ્યું હતું. અધ્યક્ષીય ઉદ્બોધનમાં સમિતિના ચેરમેન નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકર અને તેમની અધ્યક્ષતામાં રચાયેલી બંધારણની ટીમે ભારતને આપેલા બંધારણ પછી લોકશાહી અકબંધ છે, જ્યારે વિભાજન પામેલા પાકિસ્તાન અને બાંગલાદેશમાં લશ્કરીરાજ સ્થપાઈ ચૂકયા છે. સરકારની સહાયકારી યોજનાઓ સાથે સમાજે પણ સ્વનિર્ભર થવા ભણી પ્રયાસો આદરવા પડશે. શ્રી મહેશ્વરીએ ઉમેર્યું કે, સરકાર કામ કરે જ છે ત્યારે ઉગ્ર રજૂઆતોના બદલે ઉકેલ આવે તેવા સહકારભર્યા વલણ સાથે રજૂઆતો કરી કામ પૂરાં કરાવવાં જોઈએ.જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ દલિત સમાજના વધુ ને વધુ વિકાસની જિલ્લા પંચાયતની નેમ હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રાજ્ય સરકારની દલિત સમાજ માટેની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ છે તેનો વધુ ને વધુ લાભ લેવા જાગૃત થવા હાકલ કરી હતી. દીપ પ્રાગટયમાં મુખ્ય વક્તાઓ સાથે જિ.પં. ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપતિ અશોક હાથી, ભાવનાબેન ચાવડા, અરવિંદ પિંડોરિયા વગેરે જોડાયા હતા. શિબિરમાં કાનજીભાઈ ભર્યા, રવિભાઈ ગરવા, સામતભાઈ ગોરડિયા, જે.પી. મહેશ્વરી, મંજુલાબેન પરમાર, ચાંપશીભાઈ સોધમ, શામજી વાણિયા, અર્જુન મહેશ્વરી, મૂળજીભાઈ પરમાર, વસંતભાઈ વાઘેલા, માનબાઈ દનિચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિ. સ. ક. અધિકારી એન.એસ. ધ્રાંગુએ પ્રસંગ પરિચય આપ્યો હતો. સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું. નાયબ જિ. વિ. અધિકારી અશોકભાઈ વાણિયાએ સામાજિક ન્યાય સમિતિ વિશે, સરકારી વકીલ શ્રી ગોસ્વામીએ એટ્રોસિટી એક્ટ વિશે, અ.જા. કલ્યાણ નાયબ નિયામક શ્રી પંડયાએ અનુ. જાતિ કલ્યાણની યોજના વિશે, સીડીએચઓ ડો. પાંડેએ આરોગ્ય વિશે, ખેતીવાડી અધિકારીએ ખેતીની યોજનાઓ અંગે, ડી.આર.ડી.એ.ના નિયામકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાની વિગતો અંગે માહિતી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer