શિક્ષણ-તાલીમ જેવી જરૂરિયાત પર ધ્યાન આપવા અનુરોધ

શિક્ષણ-તાલીમ જેવી જરૂરિયાત પર ધ્યાન આપવા અનુરોધ
ખાવડા, તા. 26 : અહીં જામેઆ સલ્ફીયા રહીમિયા ખાવડામાં શૈક્ષણિક કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટેનો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શૈક્ષણિક રીતે પછાત એવા પચ્છમ વિસ્તારમાં એકમાત્ર નિવાસી શૈક્ષણિક સંકુલમાં રહી દિની અને દુન્યવી તાલીમ લઇ રહેલા બાળકોની  વાર્ષિક કારકિર્દીને બિરદાવવા અને સન્માનિત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે વાર્ષિક ઇજલાસમાં આસપાસના તથા દૂરથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મૌલાના અબ્દુલ ક્યુમ અઝહરીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમમાં શૈક્ષણિક સંકુલના સર્વે સર્વા, મોવડી અને બુઝુર્ગ સમાજ સેવી હાજી અલાનાએ ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું અને સન્માન્યા હતા. ત્યારબાદ હાજી  અલાનાએ સંસ્થા વિશે ચિતાર આપતાં વાર્ષિક રિપોર્ટ સાર્વજનિક કર્યો હતો. જામેઆ સલ્ફીયા રહીમિયાના વિદ્યાર્થીઓને વાર્ષિક ઉત્કૃષ્ટ દેખાવ બદલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના વકતવ્ય રજૂ કર્યા હતા. મધ્યસ્થ સત્રમાં હાફીઝ દિલશાદ અહમદ મુંબઇએ પોતાના વકતવ્યમાં  સંસ્થાના મેનેજમેન્ટના શિક્ષણ?જેવા પાયાના ઉમદા કાર્ય બદલ  બિરદાવતાં જણાવ્યું કે,  શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકો માટે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી છે તે આવનાર સમયમાં તેમના માટે મશાલ-એ-રાહ બનશે. વધુમાં તેમણે ઉપસ્થિત શ્રોતાઓને આ બેનમૂન સદકાર્યમાં તમે એક નાનકડી કોશિશથી કઇ રીતે સહભાગી બની શકો તે માટેની છણાવટ કરી હતી. આજના ઇજલાસના અતિથિ વિશેષ અને કાબેલ વકતા મૌલાના અબ્દુલ હકીમ રહેમાનીએ સમાજમાં સદકાર્ય, સદ્વર્તન વિશે તકરીર કરી હતી.  શિક્ષણ તાલીમ જેવી બુનિયાદી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જમાઅતે એહલે હદીશ-ગુજરાતના મંત્રી મૌલાના મોહંમદ સોયબ મેમન જૂનાગઢીએ  સમાજ મિલતમાં વ્યાપેલી બદીઓ માટેના કારણો અને તેને દૂર કરવા માટે અલ્લાહના કિતાબ કુરાન અને નબી હદીસની  રોશનીમાં સંદર્ભ અને દૃષ્ટાંત દ્વારા અસરકારક તકરીર રજૂ કરી હતી. સંચાલન બિલાલ જામઇ અને મૌ. સલીમનુરીએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer