ખીમજીનો મૃતદેહ હજુયે સલાલામાં

કેરા (તા. ભુજ), તા. 26 : સંભવત: ઓમાનના રાષ્ટ્રીય ઇતિહાસમાં પ્રથમ જ વખત બનેલી મૃતદેહ બદલી જવાની ઘટના પછી આવી સ્થિતિમાં કયા નિયમો હેઠળ નિર્ણય કરવો તેવી પ્રવર્તતી અટકળો વચ્ચે ખીમજીનો મૃતદેહ હજુ પણ સલાલાની હોસ્પિટલમાં હોવાની પુષ્ટિ થઇ છે. દોઢ મહિનો વિત્યા પછી કોઇ નિર્ણય ન આવતાં આ બંને પરિવારોમાં ઉચાટ છે. દરમ્યાન, મૃતક ખીમજી (સુખપર)ના ભાઇ નાનજી મેપાણીએ મસ્કતમાં કચ્છી દાતા કનક શેઠ (ખીમજી રામદાસ)ને મળી મદદ માગી હતી. આ કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે, મૃતદેહ હજુ સલાલા હોસ્પિટલમાં જ છે. દરમ્યાન, ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઇ ચોથાણી વિ. મદદરૂપ બની રહ્યા છે. રાજસ્થાનના પારિવારિક મિત્ર અલીભાઇએ કચ્છમિત્રને મસ્કતથી જણાવ્યું કે, મેં અહીં વકીલ રોક્યો છે અને કેસ ચલાવું છું. અમને યોગ્ય વળતરની આશા છે. તેમણે ખીમજીના પરિજનોને પણ કેસ દાખલ કરવા સલાહ આપી હતી. બંને પરિવારોને ઓમાનના કાયદા પ્રમાણે સ્થાનિક વકીલ રાખવાનો રહે છે. એ પણ જાણવા મળ્યું છે કે સમગ્ર ભૂલનો પ્રારંભ મૃતદેહની ઓળખ વખતે થયો છે. અલતુર્કીનો લોકસંપર્ક સ્થાનિક આરબ અધિકારી, ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે સુખપરનો  શિવજી ગોરસિયા કે જે દેહ ભારત લાવ્યો સૌએ સાથે મળી ઓળખ પ્રમાણિત કરી હતી. આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું. જેમાં હોસ્પિટલ કર્મીઓએ ત્રણ વખત પૂછ્યા પછી કોફિનમાં બંધ કર્યાનું સ્પષ્ટ દેખાય છે એવી સ્પષ્ટતા બાબુલાલના સાળાએ સલાલા હોસ્પિટલમાં ગયા પછી કરી હતી. વાસ્તવમાં આ ભૂલ અલતુર્કી કંપનીએ જ કરી છે. તેના માણસોએ દેહ ઓળખવામાં થાપ ખાધી છે. આ કંપનીએ હવે હાથ ઊંચા કરી દીધા છે અને સુખપર સ્થિત પરિવાર પાસે `અમને દેહ મળી ગયો છે' એવું લખાવી લીધું છે. હવે તમામ દારોમદાર ફિંગર પ્રિન્ટના રિપોર્ટ ઉપર છે. જો એ દેહ બાબુલાલનો નથી તો કોનો છે તે કાનૂની પ્રક્રિયા નક્કી કરે તો જ અલતુર્કી કન્સ્ટ્રક્શન કંપની ન્યાયના કઠેડામાં જવાબ આપવા મજબૂર થાય તેવા સંજોગ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer