રાપરમાં નિર્દોષ માલધારીને હેરાનગતિના મામલે પોલીસ મથક ઘેરાવની ચીમકી

રાપર, તા. 26 : આ નગરમાં ધનાભાઇ ભરવાડ નામના નિર્દોષ માલધારીને ખોટી રીતે કનડગત કરીને તેમને માર મારવા સહિતની હરકત કરનારા અત્રેના પોલીસ મથકના આઠ કર્મચારીઓ સામે નશ્યતરૂપ પગલાંની માગણી કરાઇ છે. આ મામલે જરૂર પડયે આગામી તા. પાંચમી જૂનના પોલીસ મથકને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવાની પણ તૈયારી બતાવાઇ છે.  વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદર દ્વારા પ્રમુખ ધારાભાઇ કલાભાઇ ભરવાડ દ્વારા રાજ્યના ગૃહમંત્રી સહિતના સંબંધિતો સમક્ષ આ મુદ્દે લેખિતમાં વિગતવારની ફરિયાદ કરાઇ છે. જવાબદાર આઠ પોલીસ કર્મચારીઓ સામે આંતર જિલ્લા બદલી સહિતનાં પગલાં લેવાની તેમણે માગણી કરી હતી. અમદાવાદ જવા માટે બસની રાહ જોઇને બસ સ્ટેશનમાં બેઠેલા માલધારી ધનાભાઇ સાથે પોલીસ કર્મચારીઓએ કરેલા માર મારવા સહિતના સમગ્ર ઘટનાક્રમ વિશે ફરિયાદમાં વિગતો રજૂ કરાઇ હતી. આ મુદ્દે જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આગામી તા. 5/6ના રાપર પોલીસ મથકને ઘેરાવ કરવાની ચીમકી અપાઇ હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer