કીડિયાનગરમાં યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

ગાંધીધામ, તા. 26 : રાપર તાલુકાનાં કીડિયાનગરમાં ગામના જ શખ્સે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતાં ચકચાર પ્રસરી છે, તો સામે આરોપીએ યુવતીના પરિવારજનો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર યુવતીએ પાડોશમાં રહેતા આરોપી પ્રવીણ બાબુ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ તેણીની મરજી વિરુદ્ધ સતત બાર મહિના સુધી બળાત્કાર ગુજાર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પડોશી શખ્સે જ આચરેલા કૃત્યનો બનાવ પ્રકાશમાં આવતાં  ચકચાર પ્રસરી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આડેસર પીએસઆઇ બી. જે. પરમાર ચલાવી રહ્યા છે. દરમ્યાન બળાત્કારના કેસના આરોપી પ્રવીણ પરમારે યુવતીના પિતા અને ભાઇ સહિત ત્રણ જણા સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પૂર્વે કરેલી પોલીસ ફરિયાદ અંગે મનદુ:ખ રાખી યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer