ભુજમાં ગળેટૂંપો દઇ છરી વડે હુમલો કરવા સાથે મહિલાના દાગીના લૂંટી જવાયા ?

ભુજ, તા. 26 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર રહેતા શેરબાનુ મામદહુશેન લુહાર (મીસરી) (ઉ.વ. 60)ને ગળેટૂંપો આપી છરી વડે હુમલો કરવા સાથે તેમની પાસેથી દાગીના લૂંટી જવાયા હોવાનો મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. અલબત્ત કાયદાના રક્ષકો સમગ્ર મામલા અને તેના ઘટનાક્રમને ચકાસી રહ્યા છે. શેરબાનુ લુહારને અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવનારા તેમના પુત્રી જેબુનીશા ઓસમાણગની સરાઇએ પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ આજે મધ્યાહ્ને આ ઘટના બની હતી. પડોશમાં રહેતા મધુબેનના એક પુરુષ અને ત્રણ સ્ત્રીના સ્વરૂપમાં ચાર સગા ઘરે આવ્યા હતા. જેમણે શેરબાનુ લુહારને ગળેટૂંપો આપી છરી વડે ઇજા કરી તેમણે પહેરેલા દાગીના લઇ ગયા હતા.  બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતાં મામલાને ચકાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેના કારણે મોડી સાંજ સુધી ગુનો દાખલ થયો નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer