કચ્છની ટ્રકોને માળિયા-અમદાવાદ હાઈવે પર લૂંટથી બચાવવા માંગ

આદિપુર, તા. 26 : માળિયા-અમદાવાદ હાઈવે પર કચ્છની ટ્રકોને લૂંટથી બચાવવા રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવા ગૃહમંત્રી પાસે માનવતા ગ્રુપ દ્વારા રજૂઆત કરાઈ હતી. કચ્છમાં ઔદ્યોગિકીકરણ, ખાણ ખનિજ, મીઠા ઉદ્યોગ, લાકડાં ઉદ્યોગ તથા કંડલા, મુંદરા, તુણા અને જખૌ પોર્ટના કારણે દેશનાં જુદાં-જુદાં રાજ્યો તરફથી ટ્રકોના વાહન- વ્યવહારમાં દિવસોદિવસ ગતિ આવી છે. તા. 15મી મેના લૂંટની ઘટનાઓના કારણે વેપારી વર્ગ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાની લહેર પ્રસરી છે. હાલમાં અતિ વ્યસ્ત માળિયા-અમદાવાદ હાઈવે પર પાંચ ટ્રકોના ડ્રાઈવર-ક્લીનરને ઝાડીઓમાં લઈ જઈ માર મારી રોકડ અને મોબાઈલ લૂંટવાની ઘટના ઘટી તેમાં એક ડ્રાઈવર દ્વારા લૂંટારાઓનો પ્રતિકાર કરાતાં તેને ઝાડીઓમાં જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાથી કચ્છથી નીકળતી ટ્રકના ચાલકો તેમજ ક્લીનરોમાં ફફડાટ ફેલાયો છે. દિવસે અતિ તાપ હોવાથી  ગાડીઓનાં ટાયરો અને એન્જિનને ખૂબ જ નુકસાન થતું હોવાથી ડ્રાઈવરો રાત્રિ ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરતા હોય છે, સાથે-સાથે દૂર-દૂર સુધી તેમને પ્રવાસ કરવાનો હોવાથી ડીઝલ, ટોલટેક્સ તેમજ ખાધાખોરાકી માટે મોટી રકમ સાથે લઈને જતા હોવાથી તેમની સલામતી માટે રાત્રિ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની ખાસ જરૂર છે. સાથે-સાથે અમુક જગ્યાએ પોલીસ પેટ્રોલિંગના નામે ટ્રક ડ્રાઈવરો પાસેથી ખુલ્લેઆમ પોલીસ દ્વારા ડંડો બતાવી ઉઘરાણાં કરવાની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે. ટ્રકો લૂંટની આવી ઘટનાઓ દશ-બાર વર્ષથી ભૂતકાળ બની ગઈ હતી, પરંતુ પુન: આ ઘટનાઓએ માથું ઊંચક્યું ત્યારે યોગ્ય પગલાં લેવા માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ પી. દનિચાએ માંગ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer