ચુબડકમાં વાડીની ઓરડીમાંથી 27 લાખનો શરાબ ઝડપાયો

ચુબડકમાં વાડીની ઓરડીમાંથી 27 લાખનો શરાબ ઝડપાયો
ભુજ, તા. 20 : તાલુકામાં પદ્ધર પોલીસ મથક હેઠળ આવતા નાનકડા એવા ચુબડક ગામે બાતમીના આધારે પોલીસની સરહદ રેન્જના રેપિડ રિસ્પોન્સ સેલની ટુકડીએ સ્થાનિક પોલીસને એકબાજુએ રાખીને સ્વતંત્ર રીતે ગુણવતાસભર દરોડો પાડીને રૂા. 27 લાખનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં વાડીની બે ઓરડીમાં ધરબી રખાયેલા દારૂની રખેવાડી કરનારો ચોકિયાત પકડાયો હતો. જયારે મુખ્ય સૂત્રધાર મનાતો રતનાલ ગામનો વાડીમાલિક નાસી ગયો હતો. રેન્જ સ્તરેથી થયેલી આ કાર્યવાહી થકી સ્થાનિક પોલીસબેડામાં ભારે હડકંપ સાથે દોડાદોડી મચી ગઇ છે.  બહાર આવેલી વિગતો અનુસાર આજે વહેલી સવારે આર.આર. સેલની ટુકડીએ બોલાવેલા આ સપાટામાં રતનાલ ગામનો રહેવાસી દેવા રૂડા માતા (આહીર) જે વાડી સંભાળે છે તે વાડીની અલગઅલગ બે ઓરડીમાંથી 563 પેટી અર્થાત 6756 બાટલી શરાબ કબજે કરાયો હતો. વાડીમાં રહીને આ જથ્થાની ચોકી કરતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના અબ્દુલ્લ મામદ કનીરાનીની સ્થળ ઉપરથી ધરપકડ કરાઇ હતી. જયારે દેવા રૂડા માતા દરોડા સમયે નાસી ગયો હતો.  સત્તાવાર સાધનોએ આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે ચુબડક ગામની આ વાડીમાં રાજય બહારથી મગાવાયેલો અંગ્રેજી પ્રકારના શરાબનો મોટો જથ્થો ઉતારાયો હોવાની સેલના સહાયક ફોજદાર કિરીટાસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના આધારે સરહદ રેન્જનો વધારાનો  હવાલો હાલે સંભાળી રહેલા પોલીસ મહાનિરિક્ષક ડી.એન. પટેલની સૂચના અને માર્ગદર્શન તળે આ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો.  પકડાયેલા અને ભાગી ગયેલા બન્ને જણ સામે પદ્ધર પોલીસ મથકમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર મનાતો શખ્સ હાથમાં આવ્યે આ શરાબ પ્રકરણની વધુ કડીઓ સ્પષ્ટ થવાનો નિર્દેશ પોલીસ સાધનોએ આપ્યો હતો. નાનકડા ગામડાની વાડીમાંથી લાખોનો શરાબ ઝડપાવાના આ કિસ્સામાં કેવી તપાસ થાય છે અને કોની કોની સંડોવણી નીકળે છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.  દરમ્યાન રેન્જ સ્તરેથી સ્વતંત્ર રીતે થયેલી આ ગુણવતાસભર દરોડાની કાર્યવાહી થકી સ્થાનિક પોલીસબેડામાં ભારે હડકંપ મચી ગયો છે. તાજેતરમાં દારૂની બદી અને દારૂ પકડાય તે સમયે લેવાના પગલાં બાબતે રાજય સરકાર અને તેના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા કડક નિયમો થકી અનેકના પગ નીચે રેલો આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજયના પોલીસવડા દ્વારા બહાર પડાયેલા આદેશ મુજબ પાંચ લાખથી વધુનો દારૂ પકડાય ત્યારે એસ.પી. કક્ષાના અધિકારી તપાસ કરે તેવો હુકમ કરાયો હતો. જો ચુબડકના પ્રકરણમાં પણ ઉચ્ચ સ્તરેથી તટસ્થ છાનબીન થશે તો સબંધિતોને પગલાંનો સામનો કરવાનો વારો આવે તેમ છે. પ્રકરણમાં કોની જવાબદારી નકકી કરીને શું પગલાં લેવાં સાથેની કાર્યવાહી થાય છે તેના ઉપર સબંધિતોની મીટ મંડાઇ છે. દરોડાની કાર્યવાહીમાં સેલના ફોજદાર એ.એસ. રબારીની આગેવાનીમાં સ્ટાફના કિરીટાસિંહ બી. ઝાલા, જગદીશાસિંહ સરવૈયા, જયંતીભાઇ વાઘેલા, પ્રેમજી શામળિયા, અબ્દુલ્લ સતાર સમેજા, દિનેશ ભટ્ટી અને મજીદભાઇ સમા વગેરે જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer