લખપતમાં જાગીર શાખા હસ્તકનાં મંદિરોની દુર્દશા

લખપતમાં જાગીર શાખા હસ્તકનાં મંદિરોની દુર્દશા
વિશ્વનાથ જોશી દ્વારા  દયાપર (તા. લખપત), તા. 20 : ઐતિહાસિક લખપતમાં ઘણાબધા પ્રાચીન મંદિરો છે. પ્રાચીન કિલ્લો અને લખપતનો ભવ્ય ઈતિહાસ લખપતની શાન છે. પરંતુ લખપતનું ઐતિહાસિક રામ મંદિર સરકારની જાગીર શાખા હસ્તક હોવા છતાં સરકારી મંદિરોની કોઈ પૃચ્છા પણ નથી કરતું જે દયનીય છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું મંદિર પશ્ચિમ દિશામાં ગઢની બહારના પ્રવેશદ્વાર પર જ આવેલું છે. વાડી વિસ્તાર પાસે આવેલા ઐતિહાસિક મંદિરનો આરસની તખ્તી પર લેખ મોજૂદ છે. જેમાં અક્ષરો કોતરાયેલા છે કે આ મંદિર સીતારામ તથા રાધાકૃષ્ણનું છે. કચ્છ દેશ મધ્યે ગામશ્રી લખપતના વાસી રઘુવંશકુલોત્પન્ન લોવાણા જ્ઞાતિ ઓઢકમાણકંઠા જેઠાભાઈ ધનજીએ પોતાના પરમ કલ્યાણને અર્થે બંધાવીયું છે. તેની પ્રતિષ્ઠા સંવત 1957ની શ્રાવણ સુદ-6 ને બુધવારને દિવસે કરી છે. મહારાજ ખેંગારજી સવાઈ બહાદુરના સમયમાં એ જય  રમાદેવની મૂર્તિઓ પધરાવીને વાસ્તુનો ઉત્સવ કર્યો છે. આ લેખ વાંચનારને મંદિર કર્તાના નમસ્કાર છે. તા. 1/8/1900 ૐ તત્સત્બ્રહ્માર્પણમસ્તુ. મતલબ કે આ મંદિર 117 વર્ષ જૂનું છે તે આ લેખ પરથી સ્પષ્ટ થાય છે. લેખમાં ઘણાં અક્ષરો સ્પષ્ટ વાંચી શકાતા નથી પરંતુ 117 વર્ષ જૂના રામ મંદિર, રાધાકૃષ્ણ મંદિર હવે સરકારની જાગીર શાખા હસ્તક હોવાનું લખપતના આગેવાનોએ કહ્યું હતું અને આ મંદિરની પૂજા કરવા માટે પૂજારીને રૂપિયા બસ્સોથી સવા બસ્સો મળે છે તે પણ એક વર્ષથી પગાર મળ્યો નથી. હવે આ મંદિરની સેવા કરે કોણ? આટલી મોંઘવારી વધ્યા પછી પણ સરકારી મંદિરોના પગાર વધ્યા નહીં. કર્મચારીઓ માટે પગારપંચ બદલતાં જાય છે પણ પૂજારીઓ માટે આવા પગારપંચ ક્યારે થશે ? સરકાર અન્ય ધર્મના ધાર્મિક સ્થળોમાં દખલ કરતી નથી, તો હિન્દુ મંદિરોમાંથી કરોડોની આવક લઈ જાય છે. મધ્યપ્રદેશની સરકાર ઉજ્જૈનમાં કુંભ મેળામાં 2500 કરોડનો ખર્ચ કરે ત્યારે ગુજરાત સરકાર કમસેકમ આવા પ્રાચીન મંદિરો માટે ખર્ચ કરે તે જરૂરી છે. જ્યાં-જ્યાં સરકાર હસ્તક મંદિરોનો વહીવટ થઈ ગયો છે તે મંદિરોમાં મોટા ભાગે દુર્દશા છે. જ્યારે સરકારનું પુરાતત્ત્વ ખાતું પુરાતન અવશેષોની કાળજી નથી લઈ શકતું. તેવી જ સ્થિતિ સરકારી મંદિરોની છે. ફક્ત સવા બસ્સોમાં મહિનો દિવસ પૂજા કરવી, ભોગ ધરાવવો આ બધું ક્યાંથી શક્ય થઈ શકે તેવો સવાલ થયો હતો. હાલમાં 15થી 20 યુવાનો લખપતના મંદિરોમાં સાફસફાઈ શુદ્ધિકરણ કરી એક પૂજારીની નિયુક્તિ કરી અપૂજ મંદિરોની સેવાનો યજ્ઞ આદર્યો છે. હાલમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જ્યાં પૂજારી જઈ પણ ન શકે તેવા ગાંડા બાવળ વચ્ચે ઘેરાયેલું હતું. જીએમડીસીના અધિકારીઓ પાસે બાવળ સફાઈ માટે મશીન માંગતા જીએમડીસીએ મશીન આપ્યું અને આ મંદિર સુધી પહોંચી શકાયું અને સેવા-પૂજા કાર્યરત થઈ છે. રામ-સીતા મંદિર શ્રી રાધાકૃષ્ણ મંદિરની હાલત સ્થળ પર જોવા જેવી છે. ઉપર નળિયા ઊડી ગયા છે, દીવાલો અતિ જોખમી બની ગઈ છે અને કદાચ તેના જ કારણે મંદિરમાં શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની મૂર્તિ જે બહાર ગોખલામાં હોય ત્યાંથી હટાવી અંદર ગર્ભગૃહમાં રાખી છે. મંદિરનો અમુક હિસ્સો નુકસાનગ્રસ્ત થયો છે. પૂજા કરનાર પૂજારી પણ જોખમમાં પૂજા કરે તેવી સ્થિતિ છે. આ મંદિરની જાળવણી યોગ્ય રીતે કરાય તો દર્શનાર્થીઓ દર્શન કરી શકે. હાલમાં મંદિરમાં ચામાચીડિયાં વધી ગયાં છે. દરવાજાને તાળું હોવા છતાં ખડધા ખુલ્લાની દશામાં છે. આવા પ્રાચીન મંદિરોના મરંમત કાર્ય પ્રવાસન નિગમ હેઠળ થાય, લખપતના ઘણાબધા ઐતિહાસિક અવશેષો પર ધ્યાન અપાય તે હવે જરૂરી બન્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer