પાલારા જેલના કેદીઓએ માણ્યો સંગીતનો કાર્યક્રમ

પાલારા જેલના કેદીઓએ માણ્યો સંગીતનો કાર્યક્રમ
ભુજ, તા. 20 : સંજોગોવશાત્ કે આવેશમાં આવી જઇ અને ક્યારેક વિના કારણે વિવિધ?ગુનાઓમાં આવી જઇ?જેલની સજા ભોગવી રહેલા કેદીઓની વર્તણૂક ભવિષ્યમાં સમાજ તરફ સકારાત્મક રહે તેવા ઉદ્દેશથી પાલારા જેલમાં કેદી સુધારણા કાર્યક્રમ હેઠળ `વૃક્ષમિત્ર સંગીત સભા'ને કેદીઓના મનોરંજન માટે નિમંત્રણ મળતાં 25 જેટલા કલાકારોએ જેલની મુલાકાત લઇ નિ:શુલ્ક મનોરંજન પૂરું પાડયું હતું. જેલર શ્રી પઠાણે સૌને આવકાર્યા હતા અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ  વી.કે. ગઢવીએ સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. વૃક્ષમિત્ર સંસ્થાના મંત્રી અને વૃક્ષમિત્ર સંગીત સભાના સંચાલક સચિનભાઇ ઉપાધ્યાય, ખોડીદાનભાઇ  ગઢવી (સિનિયર એડવોકેટ), હેમલતાબેન ગઢવી, દિલીપભાઇ વૈદ્ય મંચસ્થ રહ્યા હતા. શ્રી ગઢવી, જેલના ડો. કશ્યપભાઇ બૂચ, શ્રી પઠાણભાઇનું સ્વાગત કરાયું હતું. એક પછી એક કલાકારોએ કળાથી કેદીઓના જીવનમાં ઉત્સાહ ભર્યો હતો. કાર્યક્રમમાં પી.આઇ. શ્રી આલ અને પી.આઇ. શ્રી જલુનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમના અંતે કશ્યપભાઇ, સૂબેદાર જગમાલભાઇ આહીર અને સિપાહી અજયભાઇ ભડાલિયાએ પણ કંઠકામણ પાથર્યાં હતાં અને ઢોલક પર એક કેદીએ સંગત કરી હતી. શ્રી ગઢવીએ દોહા રજૂ કર્યા હતા. રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર બોર્ડર વિંગના પ્લાટૂન કમાન્ડન્ટ હરીશભાઇ ઉપાધ્યાયે વ્યવસ્થાનું સંકલન કર્યું હતું. સંચાલન સચિનભાઇએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer