ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન તે સમગ્ર ભારતવાસીઓનું અપમાન

ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન તે સમગ્ર ભારતવાસીઓનું અપમાન
અંજાર, તા. 20 : તાલુકાના ભીમાસર ગામે ગત તા. 25/4ના રાત્રિ દરમ્યાન બનેલી ઘટના જેમાં ડો. બાબા- સાહેબ આંબેડકરની પ્રતિમા પર કોઈ અજાણી વ્યક્તિએ જૂતાં- ચંપલનો હાર પહેરાવ્યા તે બાબતે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ સંબંધે સરહદી રેન્જ કચ્છ-ભુજના આઈજી પીયૂષ પટેલ, પૂર્વ  કચ્છ ગાંધીધામના એસ.પી  ભાવનાબેન પટેલ તથા  ડીવાયએસપી શ્રી વાઘેલાના સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શ્રી પરમાર તપાસ ચલાવી રહ્યા છે. આ કામે તા. 19/5ના સાંજે ભીમાસર ગામે શાંતિ સમિતિની  બેઠક યોજાઈ હતી. જેમાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક  ડી.એસ. વાઘેલા તથા અંજારના ઈન્સ્પેક્ટર બી.આર. પરમાર તથા આગેવાનો વી.કે. હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ  આહીર, સરપંચ દિનેશભાઈ ડુંગરિયા, ગોવિંદભાઈ આહીર સહિત અંદાજિત 150 જેટલા ગામજનો હાજર રહ્યા હતા. આ કામે નાયબ પોલીસ અધીક્ષક શ્રી વાઘેલાએ ગામજનોને ગુનાની હકીકતથી વાકેફ કરી જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર એ કોઈ એક સમાજના પૂજનીય નથી, પરંતુ  તેઓ આખા ભારત દેશના પૂજનીય છે અને રાષ્ટ્રીય નેતા છે. તેમનું અપમાન તે તમામ ભારતવાસીનું અપમાન ગણાય અને આવું કૃત્ય કરનારને વહેલી તકે પકડી પાડવા ગામજનોની મદદ માગી હતી. તેમણે આવું ખરાબ કૃત્ય કરનારની જે કોઈ માહિતી આપશે તે માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનું ગુપ્ત રીતે સન્માન કરી સારામાં સારો પુરસ્કાર અપાશે. ઈન્સ્પેક્ટર શ્રી પરમારે ગામજનોને પોલીસ તપાસમાં સાથ-સહકાર આપવા અને તપાસમાં કોઈ અડચણરૂપ ન થવા અપીલ કરી હતી. ગામમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની તાત્કાલિક માહિતી આપવા પોતાના મોબાઈલ નંબર તમામને આપ્યા હતા અને ઉમેર્યું હતું કે આ કામે પોલીસ તપાસ ચાલુ છે અને જલદીથી ગુનો ડિટેક્ટ કરવા તમામ પ્રકારના પ્રયત્નો ચાલુ છે અને જલદીથી આરોપી પકડાઈ જશે તેવી ખાતરી આપી હતી. ગામના આગેવાનો શ્રી હુંબલ, બાબુભાઈ આહીર, શંભુભાઈ આહીર તથા સરપંચ શ્રી ડુંગરિયાએ પ્રવચનમાં પોલીસને તપાસના કામે પૂરેપૂરો સાથ-સહકાર આપવા ગામ વતીથી ખાતરી આપી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer