બે માસૂમ સંતાનની હત્યાના જખૌના ચકચારી કિસ્સામાં પિતા અદાલત દ્વારા નિર્દોષ મુક્ત

ભુજ, તા. 20 : ત્રાસના કારણે પત્ની પિયર ચાલી જતાં કંટાળીને પોતાનાં બે સંતાનને ઝેરી દવા પીવડાવી તેમની હત્યા કરવાના અબડાસાના જખૌ ગામના મામલામાં જિલ્લા અદાલતે આરોપી હરેશ ચંપક ખલાસીને નિર્દોષ મુક્ત કરતો ચુકાદો આપ્યો હતો; તો બીજી બાજુ, ગાંધીધામ શહેર બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા સગીર વયની કન્યાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરવાના પોક્સો ધારા તળેના કેસમાં આરોપી ગાંધીધામના સોનુ બાબુભાઇ માજીરાણાને પણ નિર્દોષ મુક્ત કરતો ચુકાદો અદાલતે આપ્યો હતો. જખૌના કિસ્સામાં મે-2017માં પોતાનાં બે સંતાન હાર્દિક અને અક્ષિતાને ઝેર પીવડાવી તેમની હત્યા કરી નાખવાનો કેસ હરેશ ખલાસી સામે તેની પત્ની રવિનાબેને દાખલ કરાવ્યો હતો. પત્ની પતિના ત્રાસના લીધે માવિત્રે ચાલી જતાં કંટાળીને આરોપી પતિએ પોતાનાં બે માસૂમ સંતાનની હત્યા કરી હોવાનો આરોપ આ ફરિયાદમાં મુકાયો હતો. આ કેસ ભુજના અધિક સેશન્સ જજ એલ.જી. ચૂડાસમાની કોર્ટ સમક્ષ ચાલ્યો હતો. તેમણે બંને પક્ષને સાંભળી આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે અલ્તાફહુસૈન આઇ. કુરેશી અને આફિસઅલી એ. અન્સારી રહ્યા હતા.  બીજી બાજુ, ગાંધીધામ શહેર બી. ડિવિઝન પોલીસ મથકમાં નવેમ્બર-2016માં દાખલ થયેલા સગીરાના અપહરણ સાથેના બળાત્કારના પોક્સો ધારા હેઠળના કેસમાં આરોપી સોનુ માજીરાણાને નિર્દોષ ઠેરવાયો હતો. ગાંધીધામના અધિક સેશન્સ જજ આર.જી. દેવધરાની ખાસ કોર્ટ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે 16 સાક્ષી અને 20થી વધુ દસ્તાવેજી પુરાવા તપાસી આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે ધર્મેન્દ્રાસિંહ એસ. જાડેજા અને સિદ્ધરાજાસિંહ આર. જાડેજા રહ્યા હતા.   ખોટી સહાય કેસમાં છુટકારો   સંતાનના જન્મ સમયે ખોટી ઓળખ આપી ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મળવાપાત્ર લાભ લેવાના આરોપસર દાખલ કરાયેલા કેસમાં મુંદરાના દંપતી ગૌતમ ચૂનીલાલ રાજગોર અને રીટાબેનને નિર્દોષ મુક્ત કરાયા હતા. આરોપીઓ વિરુદ્ધ પુરાવા સાબિત ન થયાનું તારણ આપી આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે અમીરઅલીભાઇ એચ. લોઢિયા, અંજુમ લોઢિયા, જયવીરાસિંહ જાડેજા, દિનેશ ગોહિલ, મજીદ મણકા, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહ્યા હતા.   જમીનના કેસમાં દાવો રદ   રાપરની અદાલત સમક્ષ ભચુભાઇ રવાભાઇ કોળીના પાવરદાર તરીકે શકીનાબેન અભરામ ઘાંચી દ્વારા આંબાભાઇ રવાભાઇ ખોડીવારૂ (આડેસર) સામે કરાયેલા દીવાની દાવાને નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. રાપરના પ્રિન્સિપાલ સિવિલ જજ એ.ટી. રબારી દ્વારા  આ આદેશ કરાયો હતો. આ કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે પ્રવીણ એ. પરમાર રહ્યા હતા.   ભેંસના કેસમાં વળતર   ભુજ તાલુકાના ધરમપુર ગામની સીમમાં શ્રવણ કાવડિયા મંદિર નજીકના વિસ્તારમાં વિદ્યુત આંચકો લાગવાથી શામજી ભાણા કેરાસિયાની ભેંસનું મૃત્યુ થવાના કિસ્સામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રૂા. 60 હજાર વળતર પેટે વ્યાજ સાથે ચૂકવે તેવો આદેશ કરાયો હતો. ભુજના અધિક સિવિલ જજ યુ.એસ. પરમારે આ ચુકાદો આપ્યો હતો. વાદીના વકીલ તરીકે હરેશ જે. જોશી અને દીપેન એચ. જોશી રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer