અંજારમાં સફાઈના નામે સુધરાઈને મહિને 8થી 9 લાખનો ધુંબો ?

ગિરીશ જોશી દ્વારા  ભુજ, તા. 20 : દેશના વડાપ્રધાન એક બાજુ સ્વચ્છતા સામે સમગ્ર દેશમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં સ્વચ્છતાના નામે એક મોટું કૌભાંડ આચરાઈ રહ્યું હોવાના આક્ષેપ ઊઠી ચૂક્યા છે. છતાં નવાઈની વાત એ છે કે સૌ કોઈ ચૂપ છે. આવી કાળઝાળ ગરમીમાં શહેરના રસ્તા સાફ કરીને ગંદકી ઊઠાવનારા શ્રમજીવીઓના મહેનતાણામાંથી કટકી કરવી ઉપરાંત સફાઈ કામદારોના અપાયેલા કોન્ટ્રાક્ટમાં બોગસ કામદારોના નામે નાણાં હડપ કરી જવાની શહેર સુધરાઈ દ્વારા ચાલતી ગેરરીતિ પાછળ મહિને રૂા. 8થી 9 લાખ ચાઉં થઈ જતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટી શાસિત અંજાર નગરપાલિકામાં સફાઈના નામે ચાલતી લોલંલોલની ફરિયાદ ખુદ શાસક પક્ષના નગરસેવકો પણ કરી ચૂક્યા છે છતાં ક્યાંય કોઈની સામે પગલાં લેવાતાં નથી ને ગરીબ મજૂરોના મોઢાનો કોળિયો છીનવી લેવામાં આવે છે. અંજાર શહેરમાં સફાઈ કેવી રીતે થાય છે આ અંગે `કચ્છમિત્ર'ની ટીમે શહેરમાં લટાર મારી તો ક્યાંય ઊડીને આંખે વળગે તેવી સ્વચ્છતા શહેરમાં જોવા મળી ન હતી. તો દર મહિને સફાઈના નામે ચૂકવાતી રૂા. 29 લાખની જંગી રકમ જાય છે ક્યાં એ સવાલ ઊભા કરે છે. સાચા અર્થમાં શહેર સ્વચ્છ હોય છે કે નહીં એ જાણવા પણ કેટલાક શહેરીજનોને પૂછ્યું તો સફાઈના નામે ખૂબ જ નગરપાલિકાની નબળી કામગીરી હોવાનું જણાવી કેટલાક વેપારીઓએ તો આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ટીમ નગરપાલિકાની કચેરી પહોંચી અને મુખ્ય અધિકારી પાસેથી સફાઈ અંગેની સત્તાવાર માહિતી મેળવી હતી. મુખ્ય અધિકારી સંજય પટેલે સુધરાઈની જાહેર આરોગ્ય શાખા પાસેથી મેળવી આપેલા આંકડા પ્રમાણે નગરપાલિકાના ફિક્સ પગારદાર કર્મચારીઓ સફાઈકાર્યમાં 29 છે, રોજંદાર 27 જ્યારે એકતા સફાઈ કામદાર સેવા ટ્રસ્ટને અપાયેલા કોન્ટ્રાક્ટમાં 160 કામદારો કામ કરે છે. ડોર ટુ ડોરમાં 20 માણસોને કામે લગાડવામાં આવ્યા છે. સફાઈની કામગીરી પાછળ આ તમામ કામદારોને માસિક રૂા. 27.25 લાખનું ચૂકવણું નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. શાસક પક્ષના જ કેટલાક  ચૂંટાયેલા નગરસેવકોને મળ્યા તો તેઓએ આક્ષેપ કરતાં કહ્યું કે, 160નો જે કોન્ટ્રાક્ટ છે એ તમામને એક સાથે બોલાવો, ક્યાંય હિસાબ નહીં મળે. થોડા સમય પહેલાં ભાજપના જ આ સુધરાઈના ચૂંટાયેલા પદાધિકારીઓએ અચાનક ચેકિંગ કરાવ્યું હતું તો 50 કામદારો ગેરહાજર જોવા મળ્યા હતા. 160માંથી 50 ગેરહાજર કેમ હોય? આ બાબતે તપાસ કરાવવા લેખિતમાં માગણી કરવામાં આવી હતી. આ વાતને મુખ્ય અધિકારી શ્રી પટેલે સમર્થન આપતાં કહ્યું કે હા, અમારી પાસે તપાસની માગણી આવી હતી. અમે સેનેટરી ઈન્સ્પેક્ટર પાસેથી હેવાલ મગાવ્યો હતો. ખરાઈ કર્યા પછી ક્યાંય કાંઈ ખોટું થયું હોય તે જણાયું નથી. જ્યારે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જિતેન્દ્ર ચોટારાએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, દર મહિને 8થી 9 લાખ રૂપિયાની ખાયકી થઈ રહી છે. માત્ર ચોપડે સફાઈ કામદારોની સંખ્યા દર્શાવવામાં આવે છે. હકીકતમાં આટલી સંખ્યા હોતી નથી. કોન્ટ્રાક્ટર અને કારોબારી ચેરમેનની સાઠગાંઠ વિના આ ગેરરીતિ શક્ય નથી એમ તેમણે કહ્યું હતું. આમાં ચૂકવણું રોકડમાં થાય છે. ખુદ ભાજપના વડાપ્રધાનનું સપનું ભાજપ શાસિત નગરપાલિકામાં ડિજિટલ કેશલેસ ઈન્ડિયાની યોજનાનો છેદ ઊડી જાય છે. ખરેખર બેંક ખાતામાં પગાર પડવો જોઈએ પણ અહીં આવું થતું નથી. તેમણે કહ્યું કે આવી ગરમીમાં શહેરની સ્વચ્છતા પાછળ પસીના પાડીને મજૂરી કરતા કામદારોની રકમ મોટી ઉઘરાવવામાં આવે છે પરંતુ તેમાંથી 30 ટકા ચાઉં કરીને 70 ટકા ચૂકવણું કરવામાં આવે છે. ત્યારે ગરીબોના મોઢાનો કોળિયો ઝુંટવનારા સુખી નહીં થાય તેવી હૈયાવરાળ ઠાલવી હતી. આ બાબતે શાસક પક્ષના નેતા ડેની શાહને પૂછતાં તેમણે કહ્યું કે, અમે આ બાબતે અગાઉ તપાસ કરાવી ચૂક્યા છીએ, કંઈ નક્કર ગેરરીતિ બહાર આવી નથી. આ માત્ર આક્ષેપ થયા કરે છે. દરમ્યાન આ અંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રકાશ કોડરાણીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે આવી ખોટું થતું હોય એવી વાત હજુ ધ્યાને નથી આવી દેખરેખ રાખવાની જવાબદારી ચીફ ઓફિસરની છે અને એ રાખી રહ્યા છે. તેમણે કોન્ટ્રાકટર પાસેથી હપ્તા લેવાતા હોવાના આક્ષેપનો ઇન્કાર કરીને કહ્યું કે તેમની સામે પ્રમુખને રજૂઆત થયાની વાતો ખોટી છે. 

અચાનક સફાઈ કોન્ટ્રાક્ટર  પણ નવા આવી ગયા 
  ભુજ, તા. 20 : અંજાર નગરપાલિકામાં જે અગાઉ સફાઈનો કોન્ટ્રાક્ટ હતો તેને ઈરાદાપૂર્વક બ્લેકલિસ્ટ કરી નિયમોને બદલી નવા ઠેકેદારની નિમણૂક સામે પણ સવાલ ઊઠી રહ્યા છે. સત્તા પક્ષના જ એક આગેવાને નામ નહીં આપવાની શરતે કહ્યું કે શહેરમાં સફાઈ કોન્ટ્રાક્ટ અગાઉ મેક ઈન ઈન્ડિયા નામની પેઢી પાસે હતો. પરંતુ તેમના તરફથી કોઈ ગેરરીતિ કે હપ્તા ચૂકવાતા નહીં એટલે શરતોમાં અધુરાશ હેઠળ બ્લેકલિસ્ટ કરી દેવાયા હતા. પરંતુ વર્તમાન કારોબારી  દ્વારા નવી હળવી શરતો નક્કી કરી નવા કોન્ટ્રાક્ટર શોધી સફાઈનો ઠેકો આપી દેવામાં આવ્યો છે. નિયમોથી વિરુદ્ધ હોવા છતાં સૌ કોઈ તમાશો જોયા કરે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer