ભુજમાં કાયમી પાસપોર્ટ કેન્દ્ર ફાળવવા માંગ

કાઠડા (તા. માંડવી), તા. 20 : વિદેશોમાં લાખોની સંખ્યામાં ધંધાર્થે અથવા સ્થાયી થયેલા કચ્છીઓને જરૂરી એવા પાસપોર્ટ માટે અવારનવાર અમદાવાદ અથવા રાજકોટ ખાતે ધક્કા ખાવા પડે છે. જેથી ભુજમાં કાયમી ધોરણે પાસપોર્ટ કેન્દ્રની ફાળવણી કરવા માંગ ઊઠી છે. કચ્છના અરજદારોને પાસપોર્ટ મેળવવા અમદાવાદ કે રાજકોટ સુધી લાંબું ન થવું પડે તે હેતુથી રાજકીય આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તથા લોકોના પ્રયાસોથી ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે હંગામી ધોરણે પાસપોર્ટ ફાઈલ સ્વીકારવાનું કેન્દ્ર નક્કી કરાયું છે. જ્યાં રોજની 150 જેટલી અરજીઓ પણ સ્વીકારાય છે. પરંતુ આ કેન્દ્ર મારતે સ્વીકારેલી અરજીઓમાંથી અમુક અરજીઓના પાસપોર્ટ 3થી 4 મહિને મળે છે. તો અમુક અરજીઓ માટે તો ફરીથી અમદાવાદ સુધી ઈન્ક્વાયરીની તારીખ લઈને જવું પડે છે, ત્યારે માંડ-માંડ પાસપોર્ટ મળે છે. તો અનેક પાસપોર્ટ પણ ફસાયા હોવાનું પાસપોર્ટ અરજદારોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે ભુજ અરજી સ્વીકારતા પાસપોર્ટ કેન્દ્રનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે અહીં માત્ર અરજી સ્વીકારવાની અને ડોક્યુમેન્ટ ચકાસવાની જવાબદારી અપાઈ છે. જો વધુ કાંઈ માહિતી કે પૂછતાછની જરૂર હોય તો અમદાવાદ એપોઈન્ટમેન્ટ લઈને જવાથી જાણી શકાશે. બીજી તરફ ઓનલાઈન હોતાં જલ્દીથી પાસપોર્ટ મળી જશે તેવું પણ કહેવામાં આવે છે, પરંતુ ભુજમાં પાસપોર્ટની અરજી કર્યા બાદ પણ એકથી સવા મહિના જેટલા સમયે પાસપોર્ટ મળે છે. તો અમુક અરજીઓ પંદરથી વીસ દિવસ સુધી  ઓનલાઈન પણ નથી ચડતી અને ઓનલાઈનમાં અરજી સ્વીકારી લીધી છે એવું બતાવ્યા રાખે છે. રિન્યૂ અરજદારોને જલ્દી પાસપોર્ટની જરૂર હોય તેવા પાસપોર્ટધારકો અહીં અરજી કરે ત્યારે પંદર દિવસે એપોઈન્ટમેન્ટ મળે અને પંદર-વીસ દિવસે ઓનલાઈન ચડે, ત્યારબાદ તેમાં પણ કોઈ અધૂરાશ હોય તો અમદાવાદ ઓફિસની ઈન્ક્વાયરીની એપોઈન્ટમેન્ટ લેવી પડે તે પણ પંદર દિવસ પછીની મળે અને અમદાવાદ સુધી પહોંચે ત્યારે આ અરજીનો નિકાલ થાય છે. ત્યારે બેથી ત્રણ મહિને માંડ પાસપોર્ટ મળે. ત્યારે આવા રિન્યૂ પાસપોર્ટધારકો માટે તો અમદાવાદ કે રાજકોટ જ અરજી કરવી જ હિતાવહ છે. જેથી આઠથી દસ દિવસે પાસપોર્ટ મળી જાય. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer