ભુજ લોહાણા બોર્ડિંગનું પ્રત્યક્ષ શિક્ષણમાં પગરણ

ભુજ, તા. 20 : 95 વર્ષ કરતાં વધુ સમયથી હજારો વિદ્યાર્થીઓને ભુજમાં સુવિધાજનક હોસ્ટેલનો લાભ આપી ચૂકેલા ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટે હવે છાત્રાલય સેવાથી પ્રત્યક્ષ શિક્ષણસેવા તરફ ડગ માંડયા છે અને આ માટે 25000 સ્ક્વેર ફૂટના બાંધકામ સાથેના નૂતન અદ્યતન વિદ્યા સંકુલના નિર્માણ માટે મુંબઈ સ્થિત એક જ દાતાએ જવાબદારી ઉપાડી લેવાની જાહેરાત કરી છે. ટ્રસ્ટે સેવાકીય ધોરણે ઓછી ફીમાં જ આગામી જૂનથી નર્સરીથી ધો. 5 સુધીની શાળા શરૂ કરવાની અને ભવિષ્યમાં તેનો ધો. 12 સુધી વિસ્તાર કરવાનો નિર્ધાર દર્શાવ્યો છે.આજે લોહાણા બોર્ડિંગ ભવનમાં યોજાયેલા પત્રકાર મિલનમાં મુંબઈથી આવેલા ટ્રસ્ટી વિનયભાઈ લવજી ઠક્કર અને સ્થાનિક કમિટીના હોદ્દેદારો વી.ડી. હાઈસ્કૂલ પહેલાં સાર્વજનિક હાઈસ્કૂલ જાણીતી તરીકે જાણીતીસંસ્થામાં પાયાના પથ્થર અને રાજ્યના પૂર્વ જોઈન્ટ સેલ્સ ટેક્સ કમિશનર પ્રવીણભાઈ પૂજારા, વી.ડી. હાઈસ્કૂલના પૂર્વ સેક્રેટરી અને પીએનબીના પૂર્વ ચીફ મેનેજર લલિત બી. કોટકે  સંસ્થાની વિકાસગાથા વર્ણવી હતી અને સાથે સ્કૂલના ભાવિ આયોજનની વિગતો આપી હતી. વિનયભાઈએ જણાવ્યું હતું કે લોહાણા બોર્ડિંગનું નવું બિલ્ડિંગ 2016થી જ નિર્માણ પામેલું છે, જૂની બોર્ડિંગવાળી જગ્યાએ હાલમાં વર્ગખંડો શરૂ કરવામાં આવશે. એ દરમ્યાનમાં નવા શૈક્ષણિક ભવનનું કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. આ સંસ્થાના પ્રોજેક્ટ અને મિશનના ચીફ એડવાઈઝર શ્રી પૂજારાએ જણાવ્યું કે, નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ સાથે અને સામાન્ય ફીમાં જ લાંબાગાળાના આયોજનને ધ્યાને લઈને જ સંસ્થા કામ કરી રહી છે. શિક્ષણ એવું ક્ષેત્ર છે જે વારસામાં આપી શકાય એવું કહેતાં તેમણે ઉમેર્યું કે ખાસ મહત્ત્વનું એ છે કે ગામની વચ્ચે જ અને તેય અંગ્રેજી શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓ-વાલીઓના હજારો માનવ કલાકો બચશે. નાના-મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને ઓછી ફી રાખવાનું તો મંડળે નક્કી જ કર્યું છે. આમ છતાં જરૂરતમંદ વિદ્યાર્થીને વિનામૂલ્યે ભણાવવા માટે દત્તક લેવા દાતાઓ તૈયાર છે. આ પહેલાં શ્રી કોટકે જણાવ્યું હતું કે 1923માં આરંભ થયેલી આ બોર્ડિંગનો દશ હજારથી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. દાતા મેનેજિંગ ટ્રસ્ટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી નવી હોસ્ટેલ બનાવવામાં આવી. આ પછી સંકુલનો સમાજલક્ષી ઉપયોગ થઈ શકે તેવા વિચાર વિમર્શ બાદ ટેલીનો કોર્સ રાહતભાવે શીખવી જ રહ્યા છીએ અને હવે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમારી સાથે જોડાયેલા શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટની ગુજરાતી હાઈસ્કૂલ તો સારી રીતે ચાલે જ છે. આ વિચાર વહેતો થતાં જ મુંબઈ-પનવેલના દાતા પોપટલાલ વેલજીભાઈ ઠક્કરે નવું શાળા ભવન માટે જવાબદારી ઉપાડી લીધી હતી. 25000 ચો.ફૂટની ઈમારતનું કામ આગામી ઓગસ્ટથી શરૂ થઈ જશે. મેનેજિંગ ટ્રસ્ટી હીરાલાલભાઈ ઠક્કર, ટ્રસ્ટી મગનભાઈ ઠક્કરનો સહયોગ મળી રહ્યો છે અને સ્થાનિક કમિટીના ભુજ નગરપાલિકાના પૂર્વ મુખ્ય અધિકારી દિનેશભાઈ પી. ઠક્કર, નિવૃત્ત શિક્ષિકા કુસુમબેન ઠક્કર, માતૃછાયા  પ્રા. શાળાના આચાર્યા પંકજબેન રામાણી વિ. અલગ અલગ ક્ષેત્રમાં સહયોગી બની રહ્યા છે. આ પત્રકાર મિલનમાં માધાપર શાળા આચાર્ય ઉમેશભાઈ ઠક્કર, શિક્ષક સુરેશ સોમૈયા, સેક્રેટરી નરોત્તમભાઈ ઠક્કર, શિક્ષિકા તેજલબેન તન્નાએ પણ ઉપસ્થિત રહી વિગતો આપી હતી. પ્રશ્નોત્તરી દરમ્યાન મંડળના હોદ્દેદારોએ કહ્યું હતું કે કે.જી. માટે વાર્ષિક માત્ર છ હજાર અને ધો. પ માટે 9600 ફી રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગ લાભ લઈ શકે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer