રાજસ્થાનના મધ્યમ દેખાવથી કેકેઆરની જીત : પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન

ઇડનગાર્ડન, તા. 15 : આજે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી 49મી મેચમાં કોલકાતા નાઇડ રાઇડર્સે છ વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી હતી અને પ્લેઓફમાં પોતાના સ્થાનને મજબૂત બનાવ્યું છે. 143ના લક્ષ્યને આંબવા દાવમાં ઊતરેલી નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નારાયણ (માત્ર 7 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 21 રન) અને ક્રિસ લિન (42 દડામાં 45 રન)એ સારી શરૂઆત આપી હતી. પણ સુનીલ જલ્દી આઉટ થઈ ગયો હતો. રોબીન ઉથ્થાપા નિષ્ફળ રહ્યો હતો. નીતીશ રાણાએ 17 દડામાં 21 રન કર્યા હતા. દિનેશ કાર્તિક  (31 દડામાં 41) અને આંદ્રે રસેલ (5 દડામાં 11) ટીમને જીત સુધી દોરી ગયા હતા.  આ સાથે જ કેકેઆરએ આ જીતથી પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન ત્રીજા નંબર પર નિશ્ચિત કર્યું હતું. આ પહેલાં કોલકાતાનાં ઇડનગાર્ડન મેદાન ખાતે રમાયેલી આઇપીએલની 49મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગમાં આવેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 19 ઓવરમાં 142 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. કુલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર 20 રન આપી ચાર વિકેટ ખેરવીને મચાવેલા તરખાટ સામે રાજસ્થાનના મધ્યમ હરોળના બેટધરો ધરાશાયી થઇ?ગયા હતા. જો કે, ઓપનરો ત્રિપાઠી 15 દડામાં 27 અને જોશ બટલરે માત્ર 22 દડામાં 39 રન કરીને દાવનો તોફાની પ્રારંભ કર્યો હતો. પરંતુ રહાણે 11, સંજુ સેમસન 12, બેન સ્ટ્રોક 11 રન કરી વધુ ટકી શક્યા નહોતા. જ્યારે બિન્ની 1 અને કે. ગૌતમ સસ્તામાં આઉટ થયા હતા. અંતિમ ઓવરોમાં જયદેવ ઉનડકટે 18 દડામાં 26 રન કર્યા હતા. ક્રિષ્ના અને રસેલે 2-2 વિકેટ ખેરવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer