લખપતના લલાટે પાણીની ચિંતા કાયમી!

લખપતના લલાટે પાણીની ચિંતા કાયમી!
દયાપર (તા. લખપત), તા. 15 : કચ્છના છેવાડાના સૂકા મલક એવા લખપત તાલુકામાં કોઇ વર્ષ એવું નહીં ગયું હોય કે એકાદ ગામમાંથી પાણીની સમસ્યા ઉદ્ભવી ન હોય. દર વર્ષે વરસાદ પડે કે ન પડે પણ પાણી અને અછત, ઘાસ, ઢોરવાડા આ બાબતે અમુક કહેવાતા `જાગૃત લોકો' પોતાના મનસૂબા પાર પાડવા અખબારની કચેરીઓમાં માર્ચ-એપ્રિલમાં જ પહોંચી જાય અને માલધારીઓને તકલીફ છે તેવી પોતાના નામની પ્રેસનોટ છપાવે અને પોતે 40 ઢોરવાડા મંજૂર કરાવે. તાલુકાને `નો સોર્સ' જાહેર કરેલો છે. પાણીના પ્રશ્ને તાલુકો આવનારા 10  વર્ષનું  ભવિષ્ય વિચારે તો ઘણું ગંભીર છે તે પણ નક્કી છે.  આજે પણ આ તાલુકાને નર્મદાનું પાણી તેમજ ખીરસરા-નેત્રા બોરમાંથી છેક અહીં પાણી લાઇનવાટે પહોંચાડવામાં આવે છે. 105 ગામ ધરાવતા લખપત તાલુકામાં એક ગોધાતડ જીવાદોરી સમાન છે, જેમાં 28 ગામડાઓ પાણી પીવે છે અને હાલમાં પણ વરસાદ સુધી પાણી ટકી રહે તેમ છે. બાકી પાણી પુરવઠા જેટલા બોર કરે તે અમુક સમય સુધી જ પાણી મીઠું રહે છે અને તે બોર નકામા બનતા જાય છે. તાલુકામાં પાણીના બોર બનાવાયા છે, જેથી એ બંને ગામોને સ્થાનિક સોર્સ દ્વારા પાણી મળી રહ્યું છે.  સાંયરા ગામમાં પણ કૂવાનું મરંમત કાર્ય કરાવ્યું હોવાથી પાણી મળી રહે છે અને ગોધાતડ ડેમથી સમ્પ સુધી 2 કરોડ 20 લાખના ખર્ચે હાલમાં જ લાઇનનું કામ ચાલુ કરી દેવાયું છે. આ કામ પૂર્ણ થતાં ગોધાતડ ડેમમાં 28 ગામો સાથે અને 20 વધારાના ગામડાઓ પણ જોડાઇ જશે અને તે 10/5/18 સુધી કામ પૂર્ણ થઇ જશે. લખપત તાલુકામાં ઉનાળામાં પાણીનો પ્રશ્ન રહેશે નહીં તેવું આયોજન ગોઠવાઇ ગયું છે. અલબત મેઘરાજા મહેરબાન રહ્યા હોય એ અનિવાર્ય શરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન  પટેલ દ્વારા દયાપર ખાતે થયેલી જાહેરાત અનુસાર પશ્ચિમ કચ્છ માટે 385 કરોડની નવી લાઇન માટેની યોજના અંતર્ગત લખપત તાલુકામાં ખીરસરાથી દયાપર 600 એમ.એમ.ની અને દયાપરથી ગોધાતડ 450 એમ.એમ.ની  ડી.એસ. મજબૂત પાઇપલાઇન નખાઇ છે. આ મુખ્ય લાઇન મજબૂત હોતાં તેમાં તોડફોડ કરી વચ્ચેથી  પાણી ચોરી કરવાની પ્રવૃત્તિ બંધ થશે. નરા મોટો ડેમ છે. પરંતુ તેનું પાણી પીવાલાયક નથી રહ્યું. ગોધાતડ ડેમનું પાણી વરસાદ પડે ત્યાં સુધી ઉપયોગી બનશે. રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તેવી સરકારની નેમ છે, તેની જાહેરાતો પણ કરાય છે. પરંતુ લખપત તાલુકાના ખેડૂતોને પાતાળી પાણી દગો આપી રહ્યાં છે. દર વર્ષે નવા બોર બનાવી ખેડૂતો થાકી ગયાં છે. ઉપજથી વધુ ખર્ચ કરી ઘણા ખેડૂતો મંડળીઓની લોન પણ ભરી શકે તેમ નથી. મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. વરસાદ છેલ્લા બે-ત્રણ વર્ષમાં અનિયમિત છે. છતાંય તાલુકાના ખેડૂતો અસંખ્ય સંખ્યામાં બોર બનાવતા જાય છે. અને તેના દ્વારા થોડી  ઘણી પિયત ખેતી બચી છે. ભારતીય કિસાન સંઘ લખપત તાલુકાના ભવાનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કચ્છની જમીન કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાતની જેમ નથી. અહીં તાલુકાના અલગ અલગ વિસ્તારમાં પાણીના તળ અલગ અલગ અંતરે છે.  હાલમાં દયાપર, વિરાણી, દોલતપરના સીમાડામાં પાણી માટે 450થી 500 ફૂટ સુધીનો બોર કરવો પડે છે. તો પૂર્વના વિસ્તારો એટલે કે અમીયા-ખટિયામાં 150થી 200 ફૂટના બોર કરતાં પાણી મળી જાય છે. તો ક્યાંક 250 ફૂટના બોરથી પણ મીઠું પાણી મળે છે, પરંતુ આ બોરનાં પાણી કામ આવતાં નથી. પાંચથી સાત વર્ષમાં પાણી તળિયાઝાટક થઇ જાય છે. જો વધુ ઊંડા કરવામાં આવે તો ખારું પાણી નીકળે છે. અગાઉ બોર-કૂવા એન્જિન પર ચાલતા, હવે મોટાભાગે વીજળી પહોંચી ચૂકી છે.  જ્યાં વીજળી પહોંચી છે તે બોરના આયુષ્ય ઘટી ગયા છે.  કારણ કે વીજપુરવઠો પહોંચતાં ખેતીમાં પાણીનો વપરાશ વધ્યો છે, તેથી 5-7  વર્ષમાં આ બોર નકામા બની જાય છે. બોર બનાવવાનો ખર્ચ પણ વિસ્તાર પ્રમાણે અલગ છે. અમિયા-ખટિયા વિસ્તારમાં બોર બનાવવો હોય તો 40થી 50 હજાર લાગે જ્યારે દયાપર કે હાઈવે વિસ્તારના ગામડાઓમાં બોરનો ખર્ચ એકાદ લાખ સુધી પહોંચી જાય છે. દયાપરમાં હાલમાં 125 વાડીવિસ્તારમાં 125 બોર કાર્યરત છે. ઘડુલીમાં  170 જેટલા બોર કાર્યરત છે. આ બન્ને ગામોમાં એક હજારથી વધુ બોર તો બની ચૂક્યા છે. પાણી કાંયાવાળા થઈ જાય, ખારા થઈ જાય તેથી વારંવાર ખેડૂતોને બોર બનાવવા પડે. હાલમાં 250થી 300 ફૂટે મોટર મૂકવી પડે છે. દોઢથી બે વર્ષમાં પણ ઘણા બોરમાં પાણી ઘટી ગયાંના બનાવો છે અને કાં તો પાણી ખારું થઈ જાય! અને એટલે જ લખપત તાલુકાના ખેડૂતો દાડમ અને ખારેક તરફ વળ્યા છે. કારણ કે આ બાગાયતી પાકને 4000 ટીડીએસવાળું પાણી પણ ચાલી શકે છે. ટૂંકમાં આવનારા ભવિષ્ય માટે લખપત તાલુકાની પ્રજા છે તેનાથી વધુ સંખ્યા પશુઓની છે ત્યારે પાણી મહત્ત્વની જરૂરિયાત બની જશે અને 10 વર્ષ પછીના ભવિષ્યનું શું ? તે પણ પ્રશ્ન ઊભો થશે. કારણ કે નર્મદાની કેનાલ લખપત તાલુકામાં આવવાની નથી અને સમગ્ર ગુજરાત નર્મદા આધારિત થતું જાય છે. છેવાડાના લખપત તાલુકાને કોણ સધિયારો આપશે ? નર્મદાની લાઈનમાં ફોલ્ટ માળિયામાં થાય કે તેનાથી આગળ લખપત સુધી પાણી પહોંચતાં ઘણા દિવસ નીકળી જાય! સમગ્ર કચ્છની સાથે લખપત તાલુકામાં પણ પાણીના કાયમી સ્રોત શોધવા પડશે. પાણી મુખ્ય જરૂરિયાત છે. દરિયાના પાણી મીઠા બનાવવાની વાતો પણ હવામાં ઓગળી ગઈ છે. તાલુકામાં તથા આજુબાજુ લિગ્નાઈટ, વીજ ઉત્પાદન કરતા યુનિટો, સિમેન્ટ એકમો કાર્યરત છે. પુષ્કળ પાણીનો ઉપયોગ કરે છે પરંતુ ખરેખર સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ આ ઉદ્યોગોને મીઠા પાણીનાં સ્રોત ઊભાં કરવા જવાબદારી આપવી, જોઈએ તો જ ભવિષ્યનું આયોજન થશે. પવિત્ર નારાયણસરોવરને નર્મદાનાં પાણીથી ભરી દેવાની વાત હોય કે તાલુકામાં જળસંચયનાં કામોની વાત હોય હજુ નિષ્ઠાપૂર્વક કામો થયાં નથી.  તાલુકામાં ઘણા એવા મહત્ત્વના લોકેશનો છે જ્યાં માટીના મોટા ડેમ બની શકે અને આજુબાજુ ગામડાઓનો ઉદ્ધાર કરી શકે. પરંતુ રાજ્ય સરકાર કોંક્રીટના 1થી 2 મીટરના ડેમ બનાવે છે જેમાં પાણી સંગ્રહ થઈ શકે તેમ નથી. હા, પાણી જમીનમાં ઊંડા ઊતરે - કૂવા રિચાર્જ થાય પરંતુ મોટા ડેમો ગોધાતડ, નરા, સાનધ્રો પછી 30થી 40 વર્ષનો સમયગાળો નીકળી ગયો. માટીના મોટા ડેમ બનતાં નથી. તાલુકાને ખરેખર મોટા માટીના ડેમોની જરૂરિયાત છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer