જન્મભૂમિ અખબાર જૂથના પૂર્વ જી.એમ. ધીરુભાઈ દેસાઈનું નિધન

જન્મભૂમિ અખબાર જૂથના પૂર્વ જી.એમ. ધીરુભાઈ દેસાઈનું નિધન
મુંબઈ, તા. 15 : `જન્મભૂમિ' અખબારના ભૂતપૂર્વ જનરલ મેનેજર ધીરુભાઈ દેસાઈનું આજે લાંબી માંદગી બાદ  તેમના મલાડ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 87 વર્ષના હતા. તેમણે જન્મભૂમિમાં બાવન વર્ષ સેવા આપી હતી. તેમના પરિવારમાં જન્મભૂમિના ભૂતપૂર્વ ચીફ લાયબ્રેરિયન અને તેમનાં પત્ની નિલિમાબેન અને પિતરાઈ બહેન ગીતાબેનનો સમાવેશ થાય છે. તેમના પાર્થિવ દેહને મલાડના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર અપાયો હતો. આ વેળાએ `જન્મભૂમિ'ના પ્રિન્ટર અને પબ્લિશર   કૃષ્ણકાંત   ઠક્કર તથા  જન્મભૂમિના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, 17 મેએ વિલે પાર્લા (વેસ્ટ)ના બજાજ રોડ પરના સંન્યાસ આશ્રમમાં રાખવામાં આવી છે. ધીરુભાઈ દેસાઈનો જન્મ ઉદ્વાડાના પરિયા ગામમાં 23 ઓગસ્ટ-1930માં થયો હતો. તેમણે પરિયા નજીક બગવાડા ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. જાન્યુ. 1949માં જન્મભૂમિમાં રોટરી મશીન ખાતામાં જોડાયા. તેમણે આ સાથે વીજેટીઆઇમાં એન્જિનીયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. ઇ.સ. 1955માં જવાહરલાલ નેહરુ જે મશીન ખરીદવાના હતા તે જ મશીન સતત ત્રણ મહિના જન્મભૂમિમાં રહી દુરસ્ત કર્યું તેમજ સંસ્થા માટે ખરીદ્યું. તે બાદ નેહરુને આ મશીનના ઉદ્ઘાટન માટે બોલાવ્યા અને જાતે જ પ્રત્યક્ષ ધીરુભાઈએ બતાવ્યું. આમ ઇ.સ. 1965થી  જ તેઓ રોટરી યંત્રના નિષ્ણાત તરીકે આદર પામ્યા છે.ઇ.સ. 1967માં  એનએસકે યોજના હેઠળ હિંદમાંથી સમાચારપત્ર સાથે સંકળાયેલા તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ યોગ્ય હોય તેવા ત્રણ પ્રતિનિધિમાંના એક તરીકે  શૈક્ષણિક તાલીમાર્થે જાપાન ગયા. ઇ.સ. 1978માં જોબ મેનેજર તરીકે નિયુક્ત થઈ કામગીરી બજાવી. ઇ.સ. 1986ના મે મહિનાથી તેઓને મુંબઈના `જન્મભૂમિ' ઉપરાંત બીજી બ્રાન્ચ; જેવી કે રાજકોટ `ફૂલછાબ', ભુજનું `કચ્છમિત્ર' તેમજ અમદાવાદ તથા સુરત ખાતેની ઓફિસની કામગીરીનો હવાલો સોંપવામાં આવ્યો.  ઇ.સ. 1991ના નવેમ્બર મહિનામાં તેમને એડિશનલ જનરલ મેનેજરનો હોદ્દો મળ્યો. ઇ.સ. 1997ના જાન્યુઆરીમાં જનરલ મેનેજરનો ઉચ્ચતમ હોદ્દો પ્રાપ્ત કર્યો. અવિરત શ્રમ અને અથાગ ઉત્સાહથી યુવાનીનો તરવરાટ છેલ્લે સુધી તેમણે ટકાવી રાખ્યો હતો. સ્વતંત્ર મિજાજી ધીરુભાઈ મશીનના માણસ હોવા છતાં માણસને ક્યારેય મશીન નહોતા ગણતા અને દરેકના અંતરતલમાં ઊતરી અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, એ જ એમની મોટી સિદ્ધિ તેમજ સફળતા હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer