ભુજમાં રખડતા ઢોરે ફરી એક ભોગ લીધો

ભુજ, તા. 15 : શહેરમાં રખડતા ઢોરોએ માઝા મૂકી છે. આજે વાહનોથી ધમધમતા કોલેજ રોડ પરના મુખ્ય ધોરીમાર્ગ પર ગાય આડી ઊતરતાં બાઇક સ્લીપ થઇ જતાં 35 વર્ષીય યુવાન વિક્રમસિંહ ચંદ્રસિંહ ચૂડાસમાનો જીવનદીપ બુઝાયો છે ત્યારે આ બનાવના પગલે શહેરમાં રખડતા ઢોર પ્રત્યે સુધરાઇ?તંત્ર કાર્યવાહી આદરે તેવી જાગૃતો દ્વારા માંગ થઇ રહી છે. આજની દુ:ખદ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ભુજના હરિદર્શન એપાર્ટમેન્ટ સામે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો. અરિહંત નગરમાં રહેનારો વિક્રમસિંહ ચૂડાસમા નામનો યુવાન બાઇક નંબર જી.જે.12-સી.એસ. 9780 વાળું લઇને પોતાના ઘર બાજુ જઇ રહ્યો હતો. દરમ્યાન તેને ગાય આડી ઊતરતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેમાં આ યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં આ યુવાને આંખો મીંચી લીધી હતી. અગાઉ રખડતા ઢોરોની હડફેટે અનેક શહેરીજનો અસ્થિભંગ સહિતની ઇજા પામ્યા છે અને મૃત્યુ પણ નોંધાયા છે. આમ છતાં ભુજ સુધરાઇ આજ સુધી કોઇ?જ નક્કર પગલાં લઇ?શકી નથી અને શહેરમાં ઠેકઠેકાણે રખડતા ઢોરોનાં ટોળેટોળાં દેખાઇ રહ્યા છે. ગંભીર બનાવ બને ત્યારે તંત્ર જાગે છે. થોડા દિવસ ઢોર પકડવાની ઝુંબેશ આદરાય છે અને ફરી `જૈસે થે'ની સ્થિતિ રહે છે. હવે વધુ નાગરિકો આવા રખડતા ઢોરોનો ભોગ બને તે પહેલાં સુધરાઇ જાગે અને કાર્યવાહી કરે તેવું રોષપૂર્વક જાગૃતો જણાવી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer