અગરિયાઓ માટેની 384 સેફ્ટી કિટ ઓળવી જનારા કર્મચારી સામે ફોજદારી

ગાંધીધામ, તા. 15 : મીઠાના અગરમાં કામ કરતા આરોપીઓને વિતરિત કરવાની સેફ્ટી કિટની મીઠા શ્રમયોગી કલ્યાણ કેન્દ્રનો સંચાલક જ ચાંઉ કરી ગયો હોવાનું બહાર આવ્યા બાદ તેની સામે ભચાઉ પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રાપરના મદદનીશ શ્રમ અધિકારી એમ.જી. ગોયલે જંગી પાસેનાં કેન્દ્રના સંચાલક આરોપી ગોપાલ જીરાલા સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે મળતી વિગતો મુજબ તાજેતરમાં જોગણીનાર ખાતે યોજાયેલા લીગલ સર્વિસ કેમ્પમાં અગરિયાઓને વિતરણ કરવા માટે 1006 જેટલી સેફ્ટી કિટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. ગમબૂટ, કેપ, ચશ્માં અને હાથમાં પહેરવાના મોજા સહિતની વસ્તુઓ સાથેની કિટ લેવા માટે કર્મચારીઓ ગયા ત્યારે 384 કિટ ઓછી જણાઇ હતી, જે તે વખતે જિલ્લા શ્રમ અધિકારીના ચાર્જમાં રહેલા ફરિયાદી શ્રી ગોયલે ઓછી કિટ હોવા અંગે ખુલાસો પૂછવા આરોપીનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ફોન ઉપાડયો ન હતો. આરોપીએ ટપાલ મારફત મેડિકલ રજામાં ઊતરી ગયો હોવાની કચેરીને જાણ કર્યાના 23 દિવસ બાદ કિટ ઓછી જ આવી હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ સરકારી બિલ મુજબ 1006 કિટ જ આવી હતી. આરોપીએ ચાંઉ કરેલી 384 કિટ ભચાઉ દુધઇ રોડ પર શામજી ઘેલા પરમારના ભાડે રાખેલા મકાનમાં ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાંઉ કરી જવાયેલી કિટની કિંમત 1,82,400 આંકવામાં આવી છે. આ મામલો બહાર આવતાં ચકચાર પ્રસરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer