ગોદાવરીમાં નાવ ડૂબતાં 40નાં મોતની ભીતિ

હૈદરાબાદ, તા. 15 : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં મંગળવારે સાંજે તોફાની હવામાન વચ્ચે ગોદાવરી નદીમાં એક બોટ ડૂબી જતાં લગભગ 40 જણનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેમાં મોટા ભાગના અંતરિયાળ વિસ્તારમાં નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક હેવાલો મુજબ કોન્ડામોડાલુ પાસે નદીકાંઠેથી આ બોટ રાજામુન્ડી જઇ રહી હતી. જેમાં 50 મુસાફરો સવાર હતા. સાંજે પાંચ વાગ્યાના અરસામાં જ્યારે તે દેવીપટ્ટનામના મંતૂર ગામ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે ભારે આંધી આવતાં નદીમાં ઊંધી વળી ગઇ હતી. મહિલાઓ સહિત દસ મુસાફરો તરીને નદીકાંઠે પહોંચી આવ્યા હતા, જ્યારે બાકીના ડૂબીને મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. 20 મુસાફરો એવા હતા જે લગ્નની જાનમાં જઇ રહ્યા હતા એમ બચી ગયેલા મુસાફરોએ કહ્યું હતું. આસપાસના સ્થાનિક રહેવાસીઓએ ત્વરિત બચાવકાર્ય હાથ ધર્યું હતું. જિલ્લા સત્તાવાળાઓ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી પણ બચાવકાર્યમાં જોડાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer