પંજાબ અને મુંબઇ વચ્ચે આજે અસ્તિત્વનો જંગ

મુંબઇ, તા. 15 : મુંબઇ ઇન્ડિયન્સ અને અચાનક જ ખરાબ ફોર્મમાં ધકેલાઇ ગયેલી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આવતીકાલ બુધવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર આઇપીએલ-11માં અસ્તિત્વ બચાવવાની લડાઇ થશે. મુંબઇની ટીમ 12 મેચના અંતે પ મેચ જીતીને 10 પોઇન્ટ ધરાવે છે. આ સામે પંજાબની ટીમ પાછલી પ મેચમાં ચોથી હાર સહન કર્યા બાદ 12 મેચના અંતે 12 પોઇન્ટ પર અટકી ગઈ છે. પંજાબની ટીમને તેની પાછલી મેચમાં બેંગ્લોર સામે 10 વિકેટે કારમી હાર સહન કરવી પડી છે. આ હાર ભૂલીને અશ્વિનની ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શાનદાર શરૂઆત કરનાર પંજાબની ટીમ બ્રેક બાદ ફોર્મ ગુમાવી ચૂકી છે. ગેલના બેટમાંથી નીકળતા રન પણ બંધ થઇ ગયા છે. એકમાત્ર કેએલ રાહુલ પર પૂરી બેટિંગ લાઇનઅપ નિર્ભર રહે છે. જો કે, પાછલી મેચમાં ગેલ અને રાહુલ આરસીબીના ઉમેશ યાદવના શોર્ટ પીચ બોલ પર આઉટ થયા હતા, જે બંનેની નબળાઇ છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનનું ઇજાગ્રસ્ત થવું પંજાબ માટે મોટો ફટકો છે. બીજી તરફ, અક્ષર પટેલ માટે આઇપીએલની આ સિઝન નિષ્ફળ સાબિત થઇ રહી છે. એકમાત્ર એન્ડ્રૂ ટ્રાય શાનદાર બોલિંગ કરી રહ્યો છે. બીજી તરફ મુંબઇને પાછલી મેચમાં રાજસ્થાન સામે હાર મળી હતી. આથી તેની સતત ત્રણ જીત બાદ બ્રેક આવ્યો છે. મુંબઇનો ઇરાદો તેની આખરી બે મેચ જીતવાનો છે. આ માટે ખુદ સુકાની રોહિત શર્માએ બેટિંગમાં આગેવાની લેવી પડશે. તેની નિષ્ફળતા મુંબઇને ભારે પડી રહી છે. જો કે, સૂર્યકુમાર અને લુઇસ રન કરી રહ્યા છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer