પછાત જાતિને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત

પછાત જાતિને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત
ભુજ, તા. 15 : સફાઇ કામદારોએ વિવિધ માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જો યોગ્ય ઉત્તર નહીં મળે તો ભુજની સાથોસાથ સમગ્ર કચ્છમાં સફાઇકાર્ય ઠપ કરવા ચીમકી આપી હતી.  કામદારોની આ લડતમાં આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ જોડાય તેવી શક્યતાને પગલે કલેક્ટર કચેરીમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે, શ્રી મેવાણી ન આવતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો. ભુજમાં છેલ્લા 15 દિવસથી સફાઇ કામદારો વિવિધ માંગ સાથે નગરપાલિકા કચેરી સામે ધરણા પર ઊતર્યા છે. તે અંતર્ગત આજે ભુજ ઉપરાંત ગાંધીધામ, અબડાસા, નખત્રાણા, કંડલા, માંડવી, અંજાર સહિતના સફાઇ કામદારોએ સમાજ અગ્રણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઇ પ્રતીક ધરણા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘની યાદીમાં જણાવાયા મુજબ, રજૂઆતમાં મુખ્યત્વે સુધરાઇએ એકાએક કામદારોને છૂટા કરી સફાઇનો કોન્ટ્રાક્ટ આપી દીધો. જેમાં કોન્ટ્રાક્ટર પછાત જાતિનું શોષણ કરી 6400 રૂા. ચૂકવે છે, જેથી કોન્ટ્રાક્ટ બંધ કરાવવા, સુધરાઇમાં છેલ્લાં 20-25 વર્ષથી રોજમદાર કામ કરે છે તેમને કાયમી કરવા સાથે મહેકમમાં સમાવવા, રાજ્ય સરકારના કર્મચારીઓને જમીન ફાળવાઇ છે તેમ તમામ નગરપાલિકાના સફાઇ કામ- દારોને પણ મકાન બનાવવા જમીન અપાય તેવી માગણી કલેક્ટર સમક્ષ કરી હતી. કલેક્ટર રેમ્યા મોહન મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને બોલાવી સમગ્ર પ્રકરણથી વાકેફ થયાં હતાં અને આવતીકાલ તા. 16/6 સુધી યોગ્ય કરવા ખાતરી આપી હતી, જેને પગલે સમાજ અગ્રણીઓએ તેમની વાત સ્વીકારી જો કાલ સુધી યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી કાર્યક્રમો આપવા ચીમકી ઉચ્ચારી હતી. આવેદન આપવા સમયે ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘ  પ્રમુખ હરેશ રાઠોડ, અખિલ કચ્છ વાલ્મીકિ સમાજ પ્રમુખ મોહન વાઘેલા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, નીલ વિંઝોડા, દયાલ વણકર, હિતેશ મહેશ્વરી, વનિતાબેન મહેશ્વરી, ઇકબાલ જત, ચંદન ચાવડા, મંજુલા ચાવડા, ગુજરાત રૂખી સમાજ પ્રમુખ ચમન મકવાણા, શિવજીભાઇ, કનુદાસ સાધુ, હરજીભાઇ નારોલા, રમેશ મકવાણા, દામજી કબીરા, નરશી મકવાણા વિ. જોડાયા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer