ગેબી મતિયાદેવની જાતર યોજાઈ

ગેબી મતિયાદેવની જાતર યોજાઈ
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 15 : અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ) નજીક આવેલા ગેબી મતિયાદેવના મંદિરે ગેબી મતિયાદેવ સેવા સમિતિના નેજા હેઠળ બે દિવસીય યાત્રા મહોત્સવ (જાતર) પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જાતરમાં કચ્છભરમાંથી મહેશ્વરી મેઘવાળ સમાજ ઊમટતાં વિશાળ જગ્યા પણ ટૂંકી પડી હતી. બારમતી પંથના અનુયાયીઓમાં ગેબી મતિયાદેવ પરચાધારી પીર તરીકે પૂજાય છે.  મહેશ સંપ્રદાયના પીરસાહેબ  નારાયણદેવ લાલણના સામૈયા સાથે શરૂ થયેલી યાત્રામાં પૂજારી હીરજી માતંગ દ્વારા દાદાની સમાધિ પર ચાદર અને ભેટૂં ચડાવી માતંગી શાત્ર મુજબ વિનંતી કરી પૂજન કરાયું હતું. રાત્રે  દર્શન,  પૂજાપાઠ, મહાપ્રસાદ બાદ દાતાઓ, ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓનું સન્માન કરાયું હતું. યાત્રાધામે દર માસે અંધારી ચોથના દિવસે થતી જાતર પ્રસંગે પ્રસાદ આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. કચ્છ, કાઠિયાવાડ અને હાલારમાં વસતા માતંગદેવના વંશજ માતંગ ધર્મગુરુઓની વંદના કરાઈ હતી. રાત્રે લોકગાયિકા ગીતા રબારી અને લોકસાહિત્યકાર રમેશ જોશી સહિતના કલાકારોની સંતવાણી ભજનાનંદીએ માણી હતી. સવારે પૂજનવિધિ બાદ ધ્વજારોહણ કરાયું હતું. બપોર સુધી યાત્રાળુઓ દાદાના દર્શન કરી બપોરે યોજાયેલા પેડી-પ્રસાદનો લાભ લીધો હતો. મેળા પ્રસંગે નાયબ પોલીસ અધીક્ષક શ્રી પંચાલના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. પાણી પુરવઠા, આરોગ્ય, વીજ કંપની અને મહેસૂલ તંત્ર સહિતના સરકારી વિભાગોનો સહકાર મળ્યો હતો. યાત્રા મહોત્સવ પ્રસંગે મનજીભાઈ ભાનુશાલી (રાતા તળાવ), માવજી મહેશ્વરી (તરા-મંજલ),  લાલજીભાઈ કટુવા (પ્રમુખ, અબડાસા મહેશ્વરી સમાજ),  રમેશભાઈ મહેશ્વરી (પ્રમુખ, નલિયા મહેશ્વરી સમાજ), દેવજીભાઈ જુમાભાઈ કન્નર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેબી મતિયાદેવ  સેવા સમિતિના પ્રમુખ દેવજી  ખજુરિયા પિંગલસૂરના માર્ગદર્શનમાં યાત્રા મહોત્સવને  સફળ બનાવવા સમિતિના સામજીભાઈ ફુફલ (મંત્રી), ગાંગજીભાઈ ભરાડિયા (ઉપપ્રમુખ), રામજીભાઈ ચંદે (ખજાનચી) સહિતના હોદ્દારો અને સેવાભાવિ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન યુવા કાર્યકર મહેશ ફુફલે કર્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer