30 હજારની વસ્તી ધરાવતા નખત્રાણાના એકમાત્ર સ્મશાનની હાલત જર્જરિત

30 હજારની વસ્તી ધરાવતા નખત્રાણાના એકમાત્ર સ્મશાનની હાલત જર્જરિત
અશ્વિન જેઠી દ્વારા  નખત્રાણા, તા. 15 : ત્રીસેક હજારની વસ્તી ધરાવતા આ તાલુકા મથકમાં ગ્રામ પંચાયત સંચાલિત એકમાત્ર સ્મશાનમાં ડાઘુઓ સુવિધાના અભાવે પરેશાન થાય છે. રસ્તાથી માંડી ચિતા, બેસવાની ખુરશી અને અસ્થિ માટેની જગ્યા ક્યાંય સુવિધા નથી. પાણીના અભાવે વૃક્ષો મૂરઝાઈ ગયા છે, ત્યારે નારાજગી સાથે સૂર ઊઠી રહ્યો છે કે ગ્રામ પંચાયતથી નિભાવ ન થતો હોય તો હવે દાતાઓ આગળ આવે તો જ થાય. નખત્રાણામાં હિન્દુઓનું સ્મશાન એક જ છે, પરંતુ આ શાંતિધામમાં જવા માટે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. અગાઉ આ માર્ગ સી.સી. રોડ બન્યો હતો તે તૂટી જતાં હવે ધૂળિયો છે. સાથે સ્મશાન પાસે જે પાપડી છે ત્યાં તેની પર ગટરનું પાણી સતત વહ્યા કરે છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ આવે છે. જ્યારે કોઈ મરણનો બનાવ બને ત્યારે ડાઘુઓને આ ગંદાં પાણીમાંથી અર્થીને ફરજિયાત લઈ જવી પડે છે.તો સ્મશાનમાં હાલે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લોખંડની બે સગડી છે. એમાંની એક તદ્દન તૂટી ગઈ છે. તો બીજી જે ઉપયોગમાં લેવાય છે તે તદ્દન ભંગાર અને જર્જરિત છે. એકીસાથે બે મૃતદેહો આવે તો શું હાલત થાય. સાથે મૃતકના અસ્થિફૂલો રાખવાની કોઈ સગવડ નથી. અસ્થિ રાખવા માટે ખાંચા બનાવ્યા છે તે ખુલ્લા છે, લોક વગરના છે, માટે અસ્થિ રાખવાની સવલત તાત્કાલિક ઊભી કરવી જરૂરી છે. અગાઉ આ શાંતિધામની સુધારણાનું કામ થયું હતું, તેના પ્રાંગણમાં ફૂલઝાડ ઉગાડવામાં આવ્યા હતા. પરંતુ આ ફૂલઝાડની દેખભાળ ન થતી હોવાના કારણે જે બગીચો બનાવવામાં આવ્યો હતો તે પાણી ન આપવાના કારણે સુકાઈ ગયો છે. અંદર ઊભેલા નાળિયેરીનાં વૃક્ષો પણ સુકાઈ ગયા છે. ડાઘુઓને બેસવા માટે કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. સ્ટેન્ડ ખોડાયા ખરા પણ ખુરશી ફિટ નથી કરાઈ. પીવાનાં પાણીની સગવડ નથી. મોક્ષધામમાં આર.ઓ. પ્લાન્ટ સંસ્થાના સહયોગથી બેસાડવામાં આવે તે જરૂરી છે. પ્રાંગણમાં પક્ષીઓ માટે ચબૂતરો પણ હોવો જોઈએ. આ નખત્રાણા નગરનું મુક્તિધામ અનેક સુધારણા માગે છે. આ સુધારણા-વિકાસ ક્યારે થશે તેવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે. પંચાયત કે સરકાર દ્વારા સુધારણા ન થાય તો સખીદાતાઓ, સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો આગળ આવે તેવી નગરજનો અપેક્ષા સેવી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer