ક્ષત્રિયો ક્ષત્રિય ધર્મને અનુરૂપ વર્તન કરે

ક્ષત્રિયો ક્ષત્રિય ધર્મને અનુરૂપ વર્તન કરે
મુંદરા, તા. 15 : તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા કચ્છના બે ક્ષત્રિય ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજવાડીમાં યોજાયેલા સન્માન સમારોહનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમાજના ટ્રસ્ટી અને એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. ટ્રસ્ટી મહિપતસિંહ જાડેજાએ  પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં ક્ષત્રિય આગેવાનો ઉપરાંત ભાયાત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પાંચ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા બે ક્ષત્રિય ધારાસભ્યો  વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા તેમના સાથીદાર યુવા સંઘ તરફથી કુલદીપસિંહ એમ. જાડેજા તથા તેમની ટીમે સન્માન કર્યું હતું, ઉપરાંત તાલુકાના દરેક ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા બંને ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનોમાં અખેરાજસિંહ જાડેજા (બિબ્બર) અને ઋષિરાજસિંહ જાડેજા (સમાઘોઘા)નું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકામાં તાજેતરમાં યોજાયેલી ગ્રા.પં.ની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચો ગંગાબા જાડેજા (સમાઘોઘા), અંતરબા જાડેજા (નવીનાળ), મહિપતસિંહ જાડેજા (ડેપા), ક્રિષ્નાબા ગોહિલ (રામાણિયા)નું સન્માન ઉપસ્થિત બંને ધારાસભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રત્યુત્તર આપતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન- સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય ધર્મને અનુરૂપ વર્તન કરી સંસ્કારોનું જતન કરવાની સાથે સમાજમાં શિક્ષણ અને એકતા જાળવી રાખવા એ આપણા સૌની ફરજ છે; જ્યારે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ સમાજ ઉત્કર્ષના કોઇપણ કાર્ય માટે પોતાના તરફથી તમામ સહયોગ મળી રહેશે તેવી ખાતરી આપી હતી. તેમણે ભુજમાં નિર્માણ પામનાર કન્યા કેળવણી છાત્રાલયમાં ઉદાર હાથે સહયોગ આપવાની અપીલ કરી હતી. સન્માનપત્રનું વાચન હરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. મુંદરાના પી.આઇ. એન.કે. ચૌહાણે વ્યસનમુક્ત સમાજની રચના કરી શિક્ષણપ્રધાન સમાજની વિગતો ઉપર ભાર મૂક્યો હતો. ટ્રસ્ટી ભગવતસિંહ પરમાર, મહોબતસિંહ જાડેજા, હકૂમતસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા (ભદ્રેશ્વર) વગેરે મંચસ્થ રહ્યા હતા. સમારંભના અને સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજાએ સમાજ દ્વારા ચાલતી વિવિધ સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કચ્છના ઇતિહાસમાં બે ?ધારાસભ્યો સમાજના ચૂંટાયા છે એ ગૌરવપ્રદ ઘટના છે. તેમણે સમાજ અને તાલુકા વતી બંને ધારાસભ્યોની પીઠ થાબડી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી ચાંદુભા દાદુજી જાડેજા (મંગરા) અને આભારવિધિ કિશોરસિંહ પરમારે કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલદીપસિંહ જાડેજા, ગજુભા જાડેજા, ગુલાબસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર, હરદેવસિંહ જાડેજા (ધ્રાફા), મહાવીરસિંહ ઝાલા વગેરેએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer