વાતાવરણમાં વધતું પ્રદૂષણનું પ્રમાણ ભારે ચિંતાજનક છે

વાતાવરણમાં વધતું પ્રદૂષણનું પ્રમાણ ભારે ચિંતાજનક છે
ગાંધીધામ, તા. 15 : અહીંની સંસ્થા સેવા સર્વોપરીના ઉપક્રમે તાજેરમાં આદિપુર ખાતે ગો ગ્રીન અભિયાનનો આરંભ કરાવાયો હતો. આ વેળાએ યોજાયેલા વકતવ્યમાં વાતાવરણમાં તીવ્રતાથી વધતા પ્રદૂષણના પ્રમાણ અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના આરંભે અભિયાન અંગેની જાણકારી આપતાં સંસ્થાના સંચાલક કલ્પેશ આહુજાએ ગાંધીધામ-આદિપુર સંકુલમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી શહેરને હરિત બનાવવાની નેમ હોવાનું જણાવ્યું હતું. અભિયાનનો આરંભ કરાવતાં જનરલ સર્જન ડો. ચેતન વોરાએ પ્રદૂષણના વધતા પ્રમાણથી તેની વિપરીત અસરો વિશે વાત કરતાં ચિંતા સાથે જણાવ્યું હતું કે મનુષ્યએ પોતાની લાલચી અને સ્વાર્થીલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે સંપૂર્ણ વાતાવરણને પ્રદૂષિત કરી દીધું છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગના ફળ સ્વરૂપે ઋતુચક્ર, પૃથ્વીનું વાતાવરણ, ભૂમિની પોષકતા અને વાયુ પ્રદૂષણ વધ્યું છે. જો આ તીવ્રતાથી જ પ્રદૂષણ ચાલશે તો આ ધરતી ભવિષ્યમાં માનવને રહેવા લાયક રહેશે જ નહીં તેવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી. ડો. વોરાએ વધુમાં કહ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ કરવાથી પ્રદૂષણથી મુક્તિ નહીં પામીએ વાવેતર પછી વૃક્ષની માવજત પણ એટલી જ જરૂરી છે. ઉપસ્થિત  સૌ કોઇને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આદતોમાં ફેરફાર કરવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ કમલ રાયચંદાની, હરિશ કલ્યાણી, એડવોકેટ વરજાંગ ગઢવી, જખાભાઇ આયર ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રાહુલ ચંચલાણીએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer