અબડાસામાં સબ રજિસ્ટ્રારની કચેરી પૂર્ણકાલીન કરવા માગણી

અબડાસામાં સબ રજિસ્ટ્રારની  કચેરી પૂર્ણકાલીન કરવા માગણી
નલિયા, તા. 15 : અબડાસાનાં મુખ્ય મથક નલિયા?ખાતે 7થી 8 વર્ષ પૂર્વે કાર્યરત થયેલી ફૂલટાઇમ સબ રજિસ્ટ્રાર કચેરીની સેવાઓ શરૂઆતમાં પૂર્ણકાલીન સમય માટે મળતી હતી. આ સેવાઓ પાછળથી અંશકાલીન સમય એટલે કે, અઠવાડિયામાં 2 દિવસ પૂરતી સીમિત કરી દેવામાં આવતાં મિલકતના  દસ્તાવેજોના રજિસ્ટ્રેશનમાં વિલંબ થાય છે. આ સબ રજિસ્ટ્રારની સેવાઓ દરરોજ ચાલુ રહે તેવી માગણી કરવામાં આવી છે. અબડાસામાં વર્ષ 2010થી નલિયા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી પૂર્ણકાલીન સમય માટે શરૂ કરાઇ હતી, હવે તેની સેવાઓ છેલ્લા ચાર વર્ષથી અઠવાડિયામાં 2 દિવસ શુક્ર અને મંગળવારે જ પ્રાપ્ય બને છે. પરિણામે 2 દિવસ દરમ્યાન દસ્તાવેજોની નોંધણીમાં ધસારો ભારે હોતાં નોંધણી માટે આવતા અરજદારો  (વેચનાર અને ખરીદનાર)નો ભારે જમાવડો થાય છે, તેટલું જ નહીં અગાઉ અબડાસાને નખત્રાણાની સબ રજિસ્ટ્રાર કચેરી સાથે સંલગ્ન કરાયું હતું પણ સ્વતંત્ર કચેરી નલિયાને મળતાં અને પ્રારંભિક તબક્કે ફૂલટાઇમ આ કચેરીની સેવાઓ મળતાં દસ્તાવેજ નોંધણી અરજદારોને રાહત મળી હતી. પણ હવે અઠવાડિયામાં બે જ દિવસ આવી કામગીરી થતાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અને દેશાવરથી આવતા દસ્તાવેજ નોંધણી માટેના અરજદારોને ઘણી વખત ખબર ન હોતાં પાછા જવું પડે છે. આ સ્થિતિ નિવારવા અઠવાડિયાના તમામ દિવસે દસ્તાવેજની નોંધણી થાય તેવી માગણી ઊઠી છે. આ અંગે અબડાસા બાર એસોસીએશન દ્વારા નોંધણી નિરીક્ષક, જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer