અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રમુખપદે કચ્છીની ત્રીજી વખત વરણી

અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રમુખપદે કચ્છીની ત્રીજી વખત વરણી
ભુજ, તા. 15 : અખિલ ભારતીય ગુજરાતી સમાજના તાજેતરમાં કોલકાતા ખાતે યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં મૂળ અંજાર તા.ના કુંભારિયાના વતની અને હાલે ધનબાદ ખાતે વસવાટ કરતા સમાજસેવી અને ઉદ્યોગપતિ પરેશભાઈ ચૌહાણની સતત ત્રીજી વખત નિર્વિરોધ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટણી અધિકારી યમેશભાઈ ત્રિવેદીએ ઘોષણા કરી અને પ્રમાણપત્ર આપ્યું હતું. સમાજસેવાને કારણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા સન્માનથી પુરસ્કૃત એવા શ્રી ચૌહાણ કચ્છ શક્તિ એવોર્ડથી પણ સન્માનિત છે. અખિલ ભારતીય ગુજરાતી સમાજની સ્થાપનાને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે સંસ્થાની સુવર્ણ જયંતીનો સમારંભ અમદાવાદ ખાતે આગામી નવેમ્બરમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય સભાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. એબીજીએસ ગુજરાત અને બહાર  વસતા ગુજરાતીઓનું સંગઠન છે, ભારતના વિવિધ 19 રાજ્યોમાં વિસ્તાર ધરાવે છે. ચંદ્રકાન્ત રાયપત, ડો. દિવાકર શાહ, પરેશ ઠક્કર, હરેશ સોની, કચ્છથી સદસ્યો વિનોદ ચૌહાણ, અરુણ જોશી, મનહર પાનસેરિયા, જિતેન્દ્ર સોલંકી, ત્રિશલાબેન સોની, રાજેશ વાઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજક કોલકાતા ગુજરાતી સમાજના અધ્યક્ષ રવીન્દ્ર વાઘાણીએ કર્યું હતું. પદાધિકારીઓને સંસ્થા વતી પરેશ ચૌહાણે સન્માનિત કર્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer