ભેરૈયામાં કિશોરી પર સગા ભાઈનો બળાત્કાર ?

ગાંધીધામ, તા. 15 : માંડવી તાલુકાના ભેરૈયા ગામમાં એક કિશોરી ઉપર તેના જ સગા ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાનું આળ કિશોરીએ મૂકતાં ભારે ચકચારી પ્રસરી છે, તો બીજી તરફ પોલીસે પણ આ ભેદભરમ જેવો કેસ હોવાથી ગંભીર બની આધુનિક ઢબે તપાસ આદરી છે, પરંતુ હજુ સુધી ફરિયાદ દાખલ કરી નથી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સખીવન સ્ટોપમાં સારવાર હેઠળ રહેલી આ કિશોરીનું નિવેદન લઇ તપાસ કરી બાદમાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાશે તેવું જાણવા મળી રહ્યું છે. શરૂમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, કિશોરીના આક્ષેપ પ્રમાણે, ભેરૈયા ગામમાં એકાદ મહિના અગાઉ આ ચકચારી બનાવ બન્યો હતો. 17 વર્ષીય કિશોરી બપોરે પોતાના ઘરે હતી અને માતા-પિતા બહાર હતા ત્યારે તેનો મોટો ભાઇ ઘરે આવ્યો હતો અને જોરજબરદસ્તી કરી તેણે કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. દરમ્યાન, આ કિશોરી ગઇકાલે રાત્રે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં આવેલા સખીવન સ્ટોપમાં સારવાર માટે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કિશોરીના નિવેદન માટે ગયા હતા પણ તેણે નિવેદન આપ્યું  નહોતું અને સખીવન સ્ટોપના કાર્યકરો આ કિશોરીનું હજુ એક વખત કાઉન્સેલિંગ કરી લે અને તે પોતાના નિવેદન પર અડગ રહે તો પોલીસે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.  દરમ્યાન, આ અંગે ગઢશીશા પી.આઈ. એ.એલ. મહેતાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સગીરાને પ્રેમસંબંધ હતો તે યુવક સાથે ચાલી ગઈ હતી. કિશોરીના માતા-પિતા, ભાઈ તેણીને શોધવા પણ ગયા હતા. પોતાની સામે કોઈ ફરિયાદ ન થાય તે માટે પ્રેમીના પરિવારની ચડામણીથી સગીરાએ સગા ભાઈ સામે આક્ષેપ કર્યા હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. હાલ તેણીનું વધુ કાઉન્સેલિંગ કરવા પોલીસે તાકીદ કરી છે. દરમ્યાન, કિશોરી ભેરૈયાથી 40 કિલોમીટર સુધી પગપાળા ચાલી ભુજ જનરલ હોસ્પિટલમાં પહોંચી હતી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. કિશોરીના પિતાએ પણ ગઢશીશા પોલીસનો સંપર્ક કરી યોગ્ય તપાસની માંગ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer