કચ્છમાં માર્ગ અકસ્માતે બેનો લીધો ભોગ

ગાંધીધામ, તા. 15 : હાજીપીર ફાટકથી બે કી.મી. દૂર મોરાય ગામ નજીક કાર અને ટ્રક સામ સામે ભટકાતાં ખારઇના રાજેશ દયાલાલ ઠક્કર (ઉ.વ. 34) નામના યુવાનનું મોત થયું હતું.  અબડાસાના ચરોપડીથી સુખપર વચ્ચે અજાણ્યા વાહનની હડફેટે 55 વર્ષીય અજાણી મહિલાનું મોત થયું હતું. ખારઇ ગામમાં રહેનારો રાજેશ ઠક્કર નામનો યુવાન આજે સવારે કાર નંબર જી.જે. 12-ડી.એ. 5594 લઇને પરત ઘર બાજુ આવી રહ્યો હતો દરમ્યાન હાજીપીર ફાટકથી બે કી.મી. દૂર મોરાય નજીક તેને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સામેથી આવતી ટ્રક નંબર જી.જે. 12-એક્સ-3211 અને આ કાર વચ્ચે અથડામણ થતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતનો બીજો બનાવ ચરોપડી અને સુખપર વચ્ચે પુલિયા નજીક બન્યો હતો. ગઇકાલે રાત્રે કોઇ અજાણ્યા વાહનની હડફેટે ચડતાં 55 વર્ષીય અજાણી મહિલાનું  તત્કાળ મોત થયું હતું હિટ એન્ડ રનના આ બનાવમાં નાસી જનાર વાહન ચાલક વિરુદ્ધ રામભા મેઘજી સોઢાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer