જખૌ બંદરે આડા સંબંધની શંકાથી મહિલા સહિત ત્રણને માર મરાયો

ગાંધીધામ, તા. 15 : અબડાસા તાલુકાનાં જખૌ બંદરે આડા સંબંધ અંગે વહેમ રાખી એક શખ્સે એક મહિલા સહિત ત્રણ લોકોને માર માર્યો હતો, તો બીજી બાજુ મુંદરામાં ગાયત્રી કોમ્પ્લેક્સની એક કચેરીમાં ઘૂસી તોડફોડ કરાતાં બે મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જખૌ બંદરે રહેતા સુખદેવ બાબુ ચૌહાણ (ઉ.વ. 33), વાલીબેન બાબુ ચૌહાણ (ઉ.વ. 50) અને સાગર બાબુ ચૌહાણ (ઉ.વ. 24)ને ઇજાઓ થતાં આ ત્રણેયને પ્રથમ નલિયા અને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા  હોસ્પિટલમાં ખસેડાયા હતા. વીરાભાઇ નામના શખ્સે આડા સંબંધનો વહેમ રાખી હથિયાર વડે હુમલો કરતાં આ ત્રણેય ઘવાયા હતા. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ મુંદરાના ગાયત્રી કોમ્પ્લેક્સમાં આજે સવારે મારામારીનો બનાવ બન્યો હતો. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અને શહેર ભાજપના પ્રમુખ પ્રણવકુમાર ચંદ્રકાંત જોશી ઓફિસમાં હતા ત્યારે  આશાબેન કાનજી ચાવડા, મોહન તથા એક અજાણી ત્રી એમ ત્રણ લોકો આ ઓફિસમાં આવી કેમ ઓફિસ ખાલી કરતો નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ફર્નિચરમાં તોડફોડ કરીને નાસી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન આશાબેન કાનજી ચાવડાએ શ્રી જોશી સામે પોતાને હાથાપાઇ કરી માર માર્યો હોવાની પ્રતિફરિયાદ પણ નોંધાવી છે જેમાં શહેર ભાજપ પ્રમુખની સંડોવણીથી ચકચાર જાગી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer