ભુજ સુધરાઇને આત્મવિલોપનની ચીમકીનો નનામો પત્ર મળતાં ઊચાટ

ભુજ, તા. 15 : કાયમી કરવા સહિતની માંગ સાથે કોઇ રોજંદારે સુધરાઇના મુખ્ય અધિકારીને નનામો પત્ર લખી આત્મવિલોપનની ચીમકી આપતાં ચિંતા ફેલાઇ છે. ભુજમાં એક તરફ સફાઇ કામદારોનાં ધરણાં ચાલી રહ્યાં છે ત્યારે સુધરાઇના મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને કોઇ રોજંદાર દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે નનામો પત્ર લખાતાં ચિંતા ફેલાઇ છે. જો કે, શ્રી જોધપુરાએ ત્વરિત જ બાબતની ગંભીરતા લઇ આ અંગે કલેક્ટર તથા ડી.એસ.પી.ને  વાકેફ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે પણ શહેરના રોજંદારોને બોલાવી નિવેદનો લીધા હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુધરાઇમાં લાંબો સમયથી કામ કરનારાઓને કાયમી નથી કરાતા. વળી, કામદાર કે કર્મચારી મૃત્યુ પામે ત્યારે પણ તેમના પરિજનોને હક્કની રકમ આપવામાં વર્ષો કાઢી નખાય છે, ત્યારે આવા મોંઘવારીના સમયમાં નાના કામદારોને પરિવારનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ બાબતે સધુરાઇના સત્તાધીશો સરકારમાં યોગ્ય રજૂઆત કરે અને કામદારોને તેમનો હક્ક ઝડપી મળે અને અટકી ગયેલી કાયમી કરવાની પ્રક્રિયા ફરી શરૂ થાય તો અનિચ્છનીય બનાવ બનતા અટકી શકે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer