ઓરી-રૂબેલાને નાથવા કચ્છમાં ઝુંબેશ

ભુજ, તા.15 : કચ્છમાં નાના બાળકોમાં ઓરી અને રૂબેલા જેવી બીમારીનું પ્રમાણ વધતું હોવાથી આ રોગને નાથવા આગામી જુલાઈ મહિનામાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ પાંડેએ જણાવ્યું હતું.  કચ્છમાં બીમારી સામે ઝુંબેશ ચલાવવા આરોગ્ય તંત્રે પ્રયાસ આદર્યો છે. આ બાબતે કાલે 16મીએ સાંજે 4 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આરોગ્ય તંત્રના ટાસ્કફોર્સ ટીમની બેઠક બોલાવવામાં આવી હોવાનું ડો. પાંડેએ કહ્યું હતું.  તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 9 મહિનાથી 15 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. કચ્છમાં 6.93 લાખ બાળકોને આવરી લેવામાં આવશે. કચ્છમાં ઓરી કે રૂબેલાની બીમારીથી પીડાતા હોય એવા બાળકો છે? એ સવાલ સામે તેમણે કહ્યું કે અત્યાર સુધી 234 બાળકોમાં ઓરીની બીમારી હોવાનું માલુમ પડયું છે પરંતુ રૂબેલા વાળા એકેય નથી. રૂબેલા એક એવો રોગ છે જે બાળકોમાં થાય. નાનપણમાં બહેરાશ, મોતિયો અથવા હૃદયરોગ થવાની શક્યતાઓ રહે છે. 16મી જુલાઈથી પાંચ સપ્તાહ દરમ્યાન કચ્છમાં આ તમામ 6.93 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે એમ જણાવીને કહ્યું કે પ્રા.શાળા, માધ્યમિક શાળા, ખાનગી શાળા, સંસ્થાઓના તમામ બાળકોને આવરી લેવામાં આવશે . તો ભવિષ્યમાં આવી બીમારીને ફેલાતી અટકાવવાના પ્રયાસ કરવામાં આવશે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer