ભુજમાં ગટરના કાર્યોમાં અનુભવના અભાવે મુશ્કેલી

ભુજ, તા. 15 : નગરપાલિકાની ગટર લાઇનમાં ક્ષતિ શોધવા માટેની આયોજનની કામગીરી સત્વરે અટકાવવા અને જવાબદારો સામે શિક્ષાત્મક તેમજ દંડાત્મક કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત કરાઇ હતી.આ અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરેલી રજૂઆત મુજબ ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી ગટર લાઇનનો ફોલ્ટ શોધવા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, ઓપન એર થિયેટર, મોડર્ન ટોકીઝ રોડ, વાણિયાવાડ સ્કૂલ પાસેનો રસ્તો, દીપક નાસ્તા ગૃહ પાસેનો રસ્તો, ભીડ ગેઇટથી બાબા રામદેવ શોપના રોડથી ભીડ બજાર સુધીના રસ્તાઓ ખોદી નખાયા છે અને લોકો માટે અવ્યવસ્થા ઊભી કરી છે. ગટર શાખાના જૂના અનુભવી કર્મચારીઓને બદલાવી સત્તાધિશોએ આજ્ઞાંકિત કર્મચારીઓને કામગીરી સોંપી છે. જેથી ઉપર મુજબની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. જે કર્મચારીઓને ગટર શાખાની કામગીરી માટે નિયુક્ત કરાયા છે તે શહેરના એક વોર્ડની કામગીરી માંડ માંડ સંભાળી શકે તેમ છે તેમજ કામગીરીનો નહીંવત અનુભવ છે જે ધ્યાને લઇ તપાસ કરવી જોઇએ. ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવા છતાં લાંબા સમયથી ક્ષતિ મળતી નથી અને દૂષિત પાણીને પગલે લોકોને હાલાકી વધે છે. નગરપાલિકા પર સાથો સાથ નાણાકીય બોજો વધે છે. જેથી આ કામગીરીની યોગ્ય તપાસ કરી કામ બંધ કરાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer