પાલનપુર-માંડવી રૂટની બસમાં ખોટીપાથી 55 મુસાફરો રખડી પડયા

ભચાઉ, તા. 15 : પાલનપુર-માંડવી રૂટની એસ.ટી. બસ આજે બપોરે ભચાઉ નવા ડેપોથી ઉપડી જૂના ડેપો સુધીમાં બગડી જતાં અંદાજિત 55 જેટલા મુસાફરો ખરા બપોરે રખડી પડયા હતા. પાલનપુરથી માંડવી તરફની એસ.ટી. બસ બપોરે ભચાઉ ડેપો કેન્ટીનમાં અડધો કલાક જમવા રોકાયા બાદ ગાંધીધામ બાજુ જવા રવાના થઈ હતી જેમાં એરબ્રેકમાં ખોટીપો સર્જાતાં જૂના બસ સ્ટેશનના વર્કશોપમાં ઊભી રહી ગઈ હતી. જેથી બાળકો, વૃદ્ધો અને મહિલા વર્ગ સહિત 55 જેટલા મુસાફરોને ખરા બપોરે અન્ય એસ.ટી. બસની રાહમાં જૂના બસ સ્ટેન્ડ રોડ પર સામાન સાથે તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. અડધો-પોણો કલાક રાહ જોવા છતાં કોઈ જ બસ ન આવતાં અમુક પ્રવાસીઓ રિક્ષા મારફતે નવા બસ સ્ટેશન પહોંચ્યા હતા. તો અમુક જૂના વાડા હાઈવે પર પહોંચી ગંતવ્ય સ્થળે જતી બસ પકડી હતી. હાલ વેકેશનના કારણે મોટાભાગની બસોમાં પૂરતો ટ્રાફિક હોવાથી નગરથી બારોબાર નીકળી જાય છે. તેથી જૂના ડેપો પાસે ઊભેલા મુસાફરો એક્સપ્રેસ બસોની રાહ જોતા જ રહી જાય છે. જે આજના બનાવમાં પણ બન્યું હતું. તો અમુક મુસાફરોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ બસમાં અગાઉથી જ વાંધો હતો છતાં ભચાઉથી બસ આગળ જવા ઉપડી હતી. જો નવા ડેપોએ જ ખોટીપાની જાણ કરી હોત તો મુસાફરોને હેરાનગતી ન થાત. ખાસ કરીને ભચાઉથી બેઠેલા મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ હતી. ટિકિટ લઈ લેતાં ગુર્જર નગરી બસનું ભાડું જતું પણ ન કરી શકતાં ફરજિયાત અન્ય બસમાં જવા બંધાઈ ગયા હતા અને ધોમધખતા તાપમાં પરેશાન બન્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer