પંચાયતી રાજના સુધારા અંગે ત્રિવેન્દ્રમ્ ખાતે પરિસંવાદ યોજાયો

કુનરિયા, તા. 15 : બંધારણીય સુધારાને 25 વર્ષ પૂરાં થયાં, ત્યારે દેશનાં મોટાભાગનાં તમામ પંચાયતી રાજ સંસ્થાનોમાં ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે પંચાયતોને વધુ મહત્ત્વ આપતાં રાજ્ય કેરાલાના સંસ્થાન કેરાલા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ ત્રિવેન્દ્રમ્ ખાતે રાખવામાં આવ્યો હતો.પરિસંવાદ કેરાલાના અલ્પ- સંખ્યક કલ્યાણ મંત્રાલયના મંત્રી કે.ટી. જલીલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશનું સંભાષણ હતું. પંચાયત બાબતોના પ્રથમ મંત્રી મણિશંકર ઐયર અને 73મા બંધારણીય સુધારાનો ડ્રાફ્ટ કરવાનું યોગદાન આપવાનું સરાહનીય કાર્ય જેમણે કર્યું છે એવાં મિનાક્ષી સુન્દરમ્ હાજર રહ્યાં હતાં. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પંચાયતી રાજ સંસ્થાન પર વાત કરવા સેતુ અભિયાનને આમંત્રણ હતું. સંદર્ભે લર્નિંગ લેબમાંથી લાયનાબેન અને કુનરિયા સરપંચ સુરેશભાઇ છાંગાને તક મળી હતી. 73મા બંધારણીય સુધારાના હાર્દ સમા 29 વિષયોના હસ્તાંતરણમાં રાજ્યની તત્પરતા ને ઉદાસીનતાની વાતો કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પંચાયતોને વધુ મજબૂત અને સશક્ત કરવા કેટલાંક સૂચનો પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યાં, જેમાં આગામી દિવસોમાં દેશભરના સરપંચોનું સંમેલન થાય, પંચાયત પ્રતિનિધિઓની તાલીમ થાય અને લેક્ચર સિરીઝ દ્વારા મહત્ત્વના વિષયો પંચાયતો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer