પંચાયતીરાજના પ્રણેતાનું સુથરી સ્થિત સ્મારક સાવ નધણિયાતું

સુથરી (તા. અબડાસા), તા.15 :અબડાસા તાલુકાનાં છેવાડાનાં સુથરી ગામ પાસે પંચાયતી રાજના પ્રણેતા સ્વ. બળવંતરાયભાઇ મહેતાનું રાજ્યકક્ષાનું સ્મારક આવેલું છે. ગામથી બે-અઢી કિ.મી. દૂર પશ્ચિમ બાજુ દરિયાકાંઠા પાસે આવેલા આ સ્મારકના વિકાસ અને મજબૂતીકરણ માટે વર્ષ 2015-16 દરમ્યાન ગ્રાન્ટ તો ફાળવાઇ પણ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી અત્યાર સુધી કરવામાં ન આવતાં નારાજગી ફેલાઇ છે. માહિતગાર વર્તુળોમાં જણાવ્યા મુજબ તત્કાલીન જિ.પં. પ્રમુખ ત્રિકમભાઇ આહીરના પ્રયાસોથી સ્વ. બળવંતભાઇ મહેતાના સ્મારકના વિકાસ માટે રૂપિયા સાત લાખની ગ્રાન્ટ ફાળવાઇ હતી. પણ તે પછી કોઇ કાર્યવાહી કરાઇ નથી. ગામનાં અગ્રણી યોગેન્દ્રસિંહ જાડેજાએ આ બાબતે જિલ્લા પંચાયત સમક્ષ  તા. 17-8-2016 તથા તા. 19-9-2016ના લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં તેની કોઇ ફળશ્રુતિ મળી નથી. આ બાબતે તેમણે પુન:તંત્રનું ધ્યાન દોરી આ પ્રશ્ને નીવેડો લાવવા માગણી કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer