ગાંધીધામથી ગળપાદરના ધોરીમાર્ગ ઉપર લાઈટ બેસાડવા માગણી

ગાંધીધામ, તા. 15 : શહેરના બસ સ્ટેશનથી ગળપાદર ચાર રસ્તા સુધીના માર્ગ પર દીવાબત્તી નાખવા સહિતના મુદ્દે કચ્છ જિલ્લા સમાજવાદી પાર્ટીના પ્રમુખે નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.જિલ્લા પ્રમુખ સહદેવસિંહ યાદવે એન.એચ.એ.આઈ.ના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીધામના બસ સ્ટેશનથી ગળપાદર ચાર રસ્તા સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો ન હોવાથી અવારનવાર ચોરીના બનાવો બને છે. અપૂરતા પ્રકાશના કારણે ભૂતકાળના સમયમાં ચોરીના બનાવો બન્યા હોવાનું પ્રકાશમાં પણ આવેલું છે. વધુમાં, તેઓએ માર્ગમાં લાઈટો ન હોવાથી અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગને સ્વચ્છ રાખવા પણ પત્રમાં માંગ કરી હતી. દરમ્યાન, ગળપાદર- અંજાર માર્ગ પર લાઈટો નાખવામાં આવેલી હોવા છતાં ચાલુ કરવામાં આવતી નથી. આ લાઈટો માત્ર વિશેષ પ્રસંગે જ ચાલુ કરવામાં આવે છે, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. અત્રે નોંધપાત્ર છે કે અંજાર-ગળપાદર માર્ગ પર ચોરી અને લૂંટના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. આ સ્થિતિમાં લાઈટો શરૂ કરવા માટે જાગૃત નાગરિકોએ ટકોર કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer